મુશ્કેલી:ઊના તાલુકાની અંજાર શાળામાં ધો.1 થી 8 ના 347 છાત્રોને ભણવા માત્ર 2 રૂમ

ઊના15 દિવસ પહેલા
  • કૉપી લિંક
શાળામાં એક જ વર્ગમાં ખીચોખીચ ભણતા બાળકો - Divya Bhaskar
શાળામાં એક જ વર્ગમાં ખીચોખીચ ભણતા બાળકો
  • જર્જરિત બિલ્ડીંગ પાડી નવું બનાવાતું નથી એટલે બાળકોનું ભણતર બગડે છે

ઊના તાલુકાના અંજારની સરકારી પ્રા. શાળાના 11 ઓરડા જર્જરીત હોઇ 10 માસ પહેલાં જર્જરીત બિલ્ડીંગ પાડી નવા બિલ્ડીંગનું પેકેજ મંજૂર થયું હતું. 2020 માં જર્જરીત શાળા પાડી નાંખવામાં આવી હતી. પણ ત્યારબાદ નવા રૂમો ન બનાવાતાં હાલ ધો. 1 થી 8 ના 347 બાળકોને ભણવા માટે માત્ર બેજ રૂમ છે. 10 માસ વિતવા છત્તાં શા માટે નવા રૂમો બનાવવાનું કામ શરૂ નથી થતું એ બાબતે સવાલો ઉઠી રહ્યા છે.

આ બાબતે અંજારના તાલુકા પંચાયત સભ્યના પતિ પ્રતાપભાઇ અને ગામના આગેવાન રામભાઇ ડાભી શાળામાં ઓરડા ન હોવાના કારણે બાળકોનું શિક્ષણ બગડી રહ્યાની રજૂઆત ઊનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશને કરી હતી. આથી પુંજાભાઇ અંજાર સરકારી પ્રા. શાળાની મુલાકાતે ગયા હતા. તેમણે જાણકારી મેળવતાં હાલ ત્યાં 2 રૂમમાં શિક્ષણ કાર્ય ચાલતું હોવાનું અને બાકીના બાળકોને કોળી સમાજના ચોરા પર શિક્ષણ અપાતું હોવાની વિગતો સામે આવી હતી.

આથી તેમણે રાજ્યના શિક્ષણ નિયામકને ફોન કરી તાત્કાલીક મંજુર થયેલા રૂમોની કામગીરી શરૂ કરાવવા અને 10 ના મહેકમ મુજબ 10 ઓરડાનું બિલ્ડીંગ ફાળવવા રજૂઆત કરી હતી. અને હાલ મંજૂર કરાયેલા ઓરડા ક્યા કારણોસર બનાવવામાં આવ્યા નથી. તે અંગે તપાસ કરવા માંગ કરી છે.

પ્રા.શિક્ષણની વ્યવસ્થા નથી, વિકાસની વાતો થાય છે
ધો. 1 થી 8 ના પ્રા. શિક્ષણની કરૂણતા એ છેકે 10 માસથી શાળાના ઓરડા પાડી નાખ્યા પછી બેજ ઓરડામાં બાળકોને ભણાવાય છે. ઓરડા પાડી નાખ્યા પછી અધિકારીઓએ નવા બનાવવાની ગંભીરતા કેમ ન લીધી. > પુંજા વંશ, ધારાસભ્ય

બિલ્ડીંગ મંજૂર થઇ ગયું છે: બીઆરસી
તાજેતરમાં ભાવ વધારો આવતાં બિલ્ડર દ્વારા આ ટેન્ડર રદ કરવા માંગ કરતાં બિલ્ડીંગના રૂમો બનાવવાની કામગીરી અટકી ગઇ છે. રીટેન્ડર કરાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે પૂરી થતાં પેકેજ મુજબનું બિલ્ડીંગ બનાવાશે. > બીઆરસી દેવમુરારી

વૈકલ્પિક વ્યવસ્થાની બાંહેધરી આપી છે
અંજાર ગામે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઇ છે. શાળાના આચાર્યએ બાંહેધરી આપી છે. નાબાર્ડમાંથી 55 ઓરડા બનાવવાનું મંજૂર થયું છે. પણ ગ્રાન્ટના અભાવે ઓરડા બનાવી શકાય એમ નથી. > અશ્વિન પટેલ, ટીપીઇઓ

1 થી 8 માં 347 છાત્રો ભણે છે: આચાર્ય
આ શાળા ગુણોત્સવ 2001 માં રાજ્ય કક્ષાએ સીલેક્ટ કરાયેલી અને ત્યારબાદ ગ્રીનશાળા તરીકે મંજૂર થઇ હતી. પણ બિલ્ડીંગના કારણે એક્સેલેન્સમાં સીલેક્ટ ન થઇ. હાલ 2 રૂમોમાં ધો. 1 થી 8 ના વર્ગ ચાલુ છે. બાળકોની સંખ્યા પણ વધુ હોઇ બેસાડવા મુશ્કેલ બને છે. > કાંતિભાઇ પટેલ, અચાર્ય

અન્ય સમાચારો પણ છે...