ડાકલાની રમઝટ વચ્ચે ખૂની ખેલ:ઊનાના મોઠા ગામે માતાજીના માંડવામાં મહિલાઓ વચ્ચે સીટી વગાડનાર યુવાનની હત્યા, સામાન્ય બોલાચાલીમાં 3 શખ્સ છરી વડે તૂટી પડ્યાં

ઊના15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પોલીસે ત્રણેય શખ્સની અટકાયત કરી

ઊના તાલુકાનાં મોઠા ગામે માતાજીનાં માંડવામાં બેસવા બાબતે અને સીટી વગાડવાની વાત મુદ્દે બોલાચાલી બાદ ત્રણ શખ્સે યુવક પર હુમલો કર્યો હતો. અને યુવકનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ઊનાના ગરાળ ગામે રહેતા યશપાલસિંહ અખુભા વાળા (ઉ.વ.22) પોતાના મિત્ર સાથે ગઇકાલે રાત્રીના મોઠા ગામે માતાજીના માંડવામાં ગયા હતા.

રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ માતાજીના માંડવામાં ડાકલાની રમઝટ બોલતી હતી. દરમ્યાન યુવક વંડી ઉપર બેસીને બુમોપાડી સીટી વગાડતો હતો. આગાળના ભાગે મહીલાઓ બેઠી હોય જેથી સીટી વગાડવા ના પાડતા ત્રણ શખ્સો આવીને યશપાલસિંહ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં મોઠા ગામના ચિરાગસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર, સંજયસિંહ જશાભાઇ પરમાર રહે. મોઠા, મહિપતસિંહ મનુભાઇ ગોહીલ રહે. સાંઢણીધાર તા.કોડીનાર વાળા સાથે બોલાચાલી થઈ હતી.

સામાન્ય બોલાચાલીમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં યશપાલસિંહ પડી જતાં ચિરાગસિંહ તથા તેના મિત્રા મહીપતસિંહે તેના પાસે રહેલી છરી વડે માથાના તેમજ છાતીના પેટના ભાગે પાંચ ઘા મારી અને લોહીલુહાણ કરી મુક્યો હતો. દરમ્યાન વચ્ચે છોડાવવા આવેલા વસંતભાઇએ બુમો પાડતા આરોપીઓ નાશી ગયા હતા. અને મરણજનારને ઇમરજન્સી 108 મારફતે ઊના સરકારી હોસ્પીટલે લાવતા તેનું સારવાર મળે તે પહેલા જ મૃત્યું નિપજ્યું હતું.

આ ઘટનાની જાણ ઊના પોલીસને થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતક યુવાનના કાકા મંગુભાઇ ઉર્ફે મંગળસિંહ રૂપસંગ વાળા દરબારની ફરિયાદ નોંધી હતી. સમગ્ર બનાવની તપાસ પીઆઇ વી.એમ.ચૌધરી ચલાવી રહ્યા છે. અને ત્રણેય આરોપીઓની ગણતરીની કલાકોમાં ધરપક્ડ કરવામાં આવી છે.

નવરંગ માંડવો લોહીલોહાણ બન્યો
સમસ્ત ગામ દ્વારા આયોજીત માંડવામાં માતાજીના દર્શન કરવા આજુબાજુના ગામના લોકોને નિમંત્રણ અપાયું હતું. ગામના ભુવા તેમજ પંચના ભુવા અને અન્ય આમંત્રિત ભુવાઓના ડાંક વાગી રહ્યા હતા. ત્યારેજ આ લોહીયાળ હત્યાની ઘટના બનતા લોકોમાં નાશભાગ મચી ગઈ હતી.

કાર્યક્રમની પરવાનગી લીધી ન હતી
આયોજકો દ્વારા આ ધાર્મીકની કોઇપણ પ્રકારની મંજુરી લેવામાં આવી ન હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...