લોકોમાં ભય:ઊનાના સનખડામાં 4 વર્ષના બાળક ઉપર દીપડાનો હુમલો

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊના તાલુકાના સનખડા ગામે વાડીમાં માલઢોર ચરાવીને ઘેર પરત ફરતા પરીવારના 4 વર્ષના બાળક પર દીપડાએ અચાનકજ હુમલો કરી દીધો હતો. બાળકના પિતાએ સમયસર ઘાસની ગાંસડી ઉગામી દીપડાને હાકલા પડકારા કરતા તે નાસી ગયો હતો.અર્જુનસિંહ સરવૈયાની વાડી ભીડભંજન દાદાના મંદિર પાસે આવેલી છે. વાડીમાં માલઢોર ચરાવીને ઘેર પરત ફરતા 6 લોકો સાથે બાળકો પણ હતા. ત્યારે રસ્તાની સાઇડની વાડમાંથી અચાનક દિપડો આવી ચઢ્યો. અને પ્રતિપાલસિંહ અર્જુનસિંહ સરવૈયા (ઉ. 4) નામના બાળક ઉપર હુમલો કરી દેતાં બાળક રાડારાડ કરવા લાગ્યો હતો.

આથી પિતા અર્જુનસીંહે પાસે રહેલી ઘાસની ગાંસડી ઉગામી દીપડાને હાકલા પડકારા કરતાં દીપડો બાળકને મૂકી નાસી છુટ્યો હતો. ઇજાગ્રસ્ત બાળકને કાન, માથા અને વાંસાના ભાગે નહોર મારી દીધા હોઇ તેને લોહીલુહાણ હાલતમાં પિતાએ બાઇક પર બેસાડી ઊના સરકારી હોસ્પીટલે ખસેડ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલે રીફર કરાયો હતો. દીપડાના હુમલાથી વાડી વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બનાવને પગલે દીપડાને પાંજરે પૂરવા વનવિભાગનો સ્ટાફ રાત્રે ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને 2 પાંજરા ગોઠવી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...