ઊનાનું સૈયદ રાજપરા ગામ છેવાડાનો વિસ્તાર છે. આ આશરે 15 હજારની વસ્તી ધરાવતું ગામ છે. અહીંના બંદરમાં માછીમારો માટે અનેક પ્રકારની સુવિધાનો અભાવ છે. નલ સે જળ યોજના હેઠળ પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ અનેક વિસ્તારમાં પાણી લાઇન ફીટ કરવામાં આવેલ નથી. જેથી બંદરના તમામ વિસ્તારમાં નલ સે જલ યોજના મુજબ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે.
આ ઉપરાંત માછીમારો જ્યારે બોટો લઇ દરીયામાં માછીમારી કરવા જાય છે. ત્યારે બોટોમાં પીવા તેમજ જમવાનું બનાવવા માટે પાણીની જરૂર પડે છે. તેના માટે માછીમારો અન્ય સ્થળેથી વાહન મારફત પાણીને દરીયા કિનારા સુધી પહોચાડવું પડે છે. ત્યારબાદ માછીમારો કિનારાથી બોટ સુધી પાણીના કેરબા, વાસણ મારફતે માથે ઉંચકી બોટ સુધી લઇ જાય છે. જેમાં તેઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
દરીયા કિનારે જે જગ્યાએ બોટોનું પાર્કીંગ કરવામાં આવે છે ત્યાં જો પાણીની પાઇપ લાઇન મારફત પંપની વ્યવસ્થા કરી નલ સે જલ યોજના જેવી આ બંદરના માછીમારો માટે જલ સે બોટ યોજના બનાવવામાં આવે તો બોટમાં પાણી પહોંચાડવાનો પ્રશ્ન હલ થાય. આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો માછીમારો આ યોજના મુજબ સરકારના નિયમાનુસાર પાણી વેરાની રકમ પણ સરકારમાં ભરવા તૈયાર છે.
પણ આ પ્રકારની સુવિધા ન હોવાના કારણે માછીમારોએ બીજા પાસેથી વેચાતું પાણી લાવવું પડે છે. તેને બોટ સુધી પહોંચાડવાનો ખર્ચ પણ કરવો પડે છે. આથી ફીશીંગ બોટો માટે નલ સે બોટ જેવી યોજના બનાવવા સરપંચ ભરતભાઇ કામળીયાએ રાજ્યના પાણી પુરવઠા બોર્ડ અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.