ખેડૂતોમાં ચિંતા:ગીરગઢડા, કોડીનાર પંથકમાં સાંજના સમયે ઝાપટાં વરસ્યા

ઊના9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માવઠાથી શિયાળુ પાક ઉપરાંત આંબાવાડીમાં નુકસાન થશે

શિયાળાની સિઝનમાં હાડથીજાવતી ઠંડીનાં બદલે ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનકજ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. અને મંગળવારનાં સાંજનાં સમયે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદની શરૂઆત થતા ખેડૂતો ચિંતીત બન્યાં છે.

હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમની અસર મંગળવારે બપોર બાદ જ શરૂ થઈ ગઈ હતી. અને અનેક જગ્યાએ ઝાપટાં વરસ્યાં હતા. ત્યારે ઊના અને ગીરગઢડા પંથકનાં અમુક વિસ્તારમાં વરસાદ શરૂ થયાનાં અહેવાલો મળી રહ્યાં છે. આ વરસાદથી શિયાળુ પાક ઉપરાંત આંબાનાં બગીચાઓમાં વ્યાપક નુકશાન થઈ શકે છે. જેથી ખેડૂતોને પણ આર્થિક ફટકો પડશે.

હળવાથી મધ્યમ વરસાદ સાથે માવઠું થવાની સંભાવના
જૂનાગઢ જિલ્લામાં મંગળવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જ્યારે બુધવાર સુધીમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે માવઠું થવાની પણ સંભાવના વ્યકત થઇ રહી છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, મંગળવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જ્યારે બુધવારે દરિયા કાંઠાના છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રૂપે માવઠું થઇ શકે છે. દરમિયાન ગુરૂવારથી વાતાવરણ ચોખ્ખું થઇ જશે. જોકે, ફરી માવઠાને લઇને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. જ્યારે માવઠાને લઇને યાર્ડમાં સોયાબીન, મગફળી અને ધાણાની આવક બંધ કરાઇ છે.

જરૂર જણાયે જણસીની આવક પણ બંધ કરાશે
હાલ માવઠાને પગલે યાર્ડમાં સોયાબીન, મગફળી અને ધાણાની આવક બંધ કરવામાં આવી છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી જણસી ન લાવવા જણાવાયું છે. એજ રીતે જરૂર જણાયે તમામ જણસીની આવક પણ બંધ કરાશે.> પી.એસ. ગજેરા, સેક્રેટરી માર્કેટીંગ યાર્ડ

અન્ય સમાચારો પણ છે...