તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કળિયુગનો કપાતર પુત્ર:ઉનાના નાંદરખ ગામે મોજશોખ માટે પૈસાની લાલચમાં આવી પુત્રએ નશામાં પિતાના માથે પથ્થરના ઘા મારી ફુરચેફુરચા કરી નાખ્યા!

ઉનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હત્યારા પુત્રની માતાની તસવીર. - Divya Bhaskar
હત્યારા પુત્રની માતાની તસવીર.
  • ઉનાના નાંદરખમાં પુત્રએ નશામાં ચકચૂર બની પિતાની હત્યા કરી નાખી
  • મકાનની નુકસાનીના વળતર મામલે પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી

ઉનાના નાંદરખ ગામે પુત્રએ વૃદ્ધ પિતાનું પથ્થરથી માથું છૂંદી નાખી હત્યા કરી નાખી હતી. બંને વચ્ચે મકાનની નુકસાનીના વળતરની રકમના મામલે બોલાચાલી થઇ હતી. બાદમાં નિદ્રાધીન પિતાની પુત્રએ દારૂના નશામાં હત્યા કરી નાખી હોવાનો આક્ષેપ મૃતકની પત્નીએ કર્યો હતો.

મોટા પુત્રએ પોલીસ ફરિયાદ કરી
આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ઉનાના નાંદરખ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા બાબુભાઈ માલાભાઈ સોલંકી (ઉં. 72)ની ગત રાત્રિના તેમના નાના પુત્ર મુકેશ ઉર્ફે ટેન્ડોએ પોતાના ઘરમાં જ માથામાં પથ્થરના ઘા મારી હત્યા કરી નાખી હતી. બનાવ અંગે બાબુભાઇના કોડીનાર રહેતા મોટા પુત્ર જગદીશભાઇને તેના કાકાએ જાણ કરી હતી, આથી તે પોતાના પરિવાર સાથે નાંદરખ દોડી આવ્યો હતો અને પિતાના લોહીલુહાણ હાલતમાં પડેલા મૃતદેહને ખાનગી વાહનમાં ઉના સરકારી હોસ્પિટલમાં લાવ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી
બનાવ અંગે મેડિકલ ઓફિસરે પોલીસને જાણ કરતાં પીએસઆઇ ચૂડાસમા હોસ્પિટલે દોડી આવ્યા હતા. બાદમાં ઉના પીઆઇ ચૌધરીએ ઘટનાસ્થળે દોડી જઈ હત્યા કરનાર પુત્ર ટેન્ડાની અટક કરી પૂછપરછ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ, મરનાર બાબુભાઇ માલાભાઇ સોલંકીને સંતાનમાં 2 પુત્ર અને એક પુત્રી છે. બાબુભાઇ, તેમનાં પત્ની સોનાબેન અને પુત્ર જગદીશભાઇ સહિતનો પરિવાર મુકેશ ઉર્ફે ટેન્ડાના ત્રાસથી કોડીનાર મુકામે તેમના નાના ભાઇને ઘેર ચાલ્યા ગયા હતા.

મોજશોખ માટે પૈસાની જરૂર હતી
દોઢ માસ પહેલાં વાવાઝોડામાં નાંદરખ ગામે બાબુભાઇના ઘરમાં નુકસાન થયું હતું, જેના વળતર પેટે સરકાર તરફથી આજે સહાયની રકમ બેંકમાં જમા થવાની હતી. આ રકમની મુકેશ ઉર્ફે ટેન્ડાને ખબર હોઇ તેણે પોતાના મોજશોખ પૂરા કરવા બેંકમાંથી ઉપાડવી હતી. આ બાબતે પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થઇ હતી અને ક્ષણભરમાં લોહિયાળ સ્વરૂપ ધારણ કરી મુકેશ ઉર્ફે ટેન્ડાએ પિતા બાબુભાઇને રાત્રે જ દારૂના નશામાં પથ્થરોના ઘા મારી તેમનું માથું છૂંદી નાખ્યું હતું, આથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. એમ મૃતકના મોટા પુત્ર જગદીશે ફરિયાદમાં જણાવ્યું છે. બનાવની તપાસ ઉના પોલીસ ચલાવી રહી છે.

હું હાજર હોત તો મને પણ મારી નાખત: માતા સોનાબેન
હત્યારા પુત્ર મુકેશ ઉર્ફે ટેન્ડોની માતા સોનાબેને એવો આક્ષેપ કર્યો હતો કે ટેન્ડો માથાભારે છે અને પરિવારને ત્રાસ આપતો હતો. પોતાના મોજશોખ માટે પૈસા જોઇતા હોઇ, જો હું ઘેર હાજર હોત તો મને પણ મારી નાખત. હવે ટેન્ડો બચવો ન જોઇએ. તેને મારી નાખો.

રકમ મળે એ પહેલાં જ હત્યા
વાવાઝોડાની સહાયની રકમ હજુ તો બેંકમાં આવી નથી. એ પહેલાં જ રૂપિયા માટે પુત્રએ પિતાની હત્યા કરી નાખી હતી. બાદમાં મુકેશ ઉર્ફે ટેન્ડો ગામમાં છુપાઇ ગયો હતો, જેને પોલીસે શોધી લીધો હતો.

હત્યારો પ્રેમિકા સાથે આવતો: પરિવાર
પરિવારજનોએ ભારે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મુકેશ ઉર્ફે ટેન્ડો સુરત રહેતો હતો અને પ્રેમિકા સાથે આવેલો. પોતે અપરિણીત હતો. કોઇ કામધંધો નહોતો કરતો અને દારૂ પી ત્રાસ આપતો હતો.