તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી ઝાપટા:ઊના-ગિરગઢડામાં અડધાથી 1 ઇંચ વરસાદ, જૂનાગઢ શહેરમાં દિવસભર ધૂપછાંવ ભર્યું વાતાવરણ

ઊના12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઊના પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો. - Divya Bhaskar
ઊના પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો.
  • વાવણી લાયક વરસાદ 17 જૂન પછી પડશે

તાઉ તે વાવાઝોડાની કળ હજુ નાઘેર પંથકના લોકોને વળી નથી. હજુ ખેતરોમાં ધરાશાયી થયેલા વૃક્ષો અને અન્ય સફાઇ થઇ શકી નથી. ત્યાંજ વરસાદનું આગમન શરૂ થઇ જતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

ઊના-ગિરગઢડા પંથકમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને આકાશમાં વરસાદી માહોલ સાથે વાદળો ઘેરાવા લાગ્યા હતા. ચોમાસાની શરૂઆતમાં વરસાદે એન્ટ્રી કરતાં 2 કલાકમાં અડધોથી 1 ઇંચ વરસાદ ખાબકી જતાં રસ્તા પર પાણી ચાલતા થયા હતા. તો ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા હતા. તાઉ તે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હોઇ પાકને મોટું નુકસાન થયું હતું. ત્યારે આજે વરસાદ વરસતાં ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. ઊના શહેરમાં અડધો ઇંચ તેમજ સામતેર, કાણકબરડા, ગરાળ, રામેશ્વર, સનખડા, મોઠા સહિતના ગામોમાં પવન સાથે ધોધમાર એક કલાકમાં 1 ઇંચ વરસાદ વરસી ગયો હતો. આ સિવાય અમુક ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

11 થી 13 જૂન સુધીમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના
જૂનાગઢ શહેરમાં દિવસભર ધૂપછાંવ ભર્યું વાતાવરણ રહેવા સાથે 8 કિમીની ઝડપે પવન ફૂંકાતા લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 11 થી 13 જૂન સુધીમાં હળવાથી મધ્યમ અને 17 જૂન પછી વાવણી લાયક વરસાદ પડશે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, 11 થી 13 જૂન સુધીમાં દરિયાઇપટ્ટી વિસ્તારના ગામોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. ખાસ કરીને ગિર સોમનાથ, માળીયા હાટીના, માંગરોળ, ચોરવાડ સહિતના દરિયાકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. જ્યારે અન્ય સ્થળોએ હળવો વરસાદ પડશે. વાવણી લાયક વરસાદ 17 જૂન બાદ પડશે. દરમિયાન મંગળવારે શહેરમાં દિવસભર ધૂપછાંવ ભર્યું વાતાવરણ રહ્યું હતું. પવનની ઝડપ સોમવારે 5 કિમીની હતી જે 3 કિમી વધીને મંગળવારે 8 કિમીની થઇ જતા લોકોને ગરમીમાં થોડી રાહત મળી હતી. દરમિયાન મંગળવારે લઘુત્તમ 27.9, મહત્તમ 37.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 71 ટકા અને બપોર બાદ 56 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 8 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...