તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:નાળિયેરીના વ્યવસાય સાથે જોડાયેલા 5 હજાર શ્રમિકો બેકાર બન્યા

ઊના10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊનામાં તાઉ તે વાવાઝોડા બાદ 15 રૂપિયાનું નાળિયેર 50 રૂપિયામાં વેંચાય છે

ઊના પંથકમાં તાઉતે વાવાઝોડાને લીધે 90 ટકાથી વધુ નાળિયેરીના બગીચામાં ઝાડ જડમૂળમાંથી ધરાશાયી થયા છે. આથી ઊના પંથકમાં નાળિયેરીની અછત સર્જાતાં હાલ નાળિયરનો ભાવ પહેલાં રૂ. 15 હતો એ વધીને રૂ. 50 ને આંબી ગયો છે. નાળિયેરનો વ્યવસાય કરતા વેપારીઓ પણ મુંઝવણમાં મૂકાઇ ગયા છે. કેમકે, બજારની જરૂરિયાત પૂરતા નાળિયેર આવતા નથી.

બહારગામથી મંગાવવા પડતા હોઇ તેની કિંમત વધી જાય છે. જે ગ્રાહકોને પરવડતી નથી. આથી તેના વેચાણમાં પણ વ્યાપક ઘટાડો થતો જાય છે. આવીજ પરિસ્થિતી રહેશે તો ધંધો બંધ કરવાનો વખત આવશે. એમ નાળિયેરના વેપારીઓનું કહેવું છે.

ઊના પંથકના દેલવાડા, અંજાર, કોઠારી, વાંસોજ, નાંદણ સહિતના અનેક ગામો નાળિયેરીનું ઘર કહેવાય છે. આ વિસ્તારમાં નાળિયેરીનું પુસ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હોઇ સૌરાષ્ટ્રભરમાં નાળિયેર અહીંથી જતા હતા. પરંતુ તાઉતે વાવાઝોડાએ બાગાયતી પાકને વ્યાપક નુકસાન પોહચાડતા આ વિસ્તારમાં હવે ગણ્યા ગાંઠ્યા નાળિયેરીના ઝાડ બચ્યા છે. આથી નાછુટકે નાળિયેરીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ચોરવાડ, માંગરોળથી નાળિયેર મંગાવવા પડે છે. પરિણામે વાવાઝોડા પહેલાં ઊનામાં રૂ. 15 માં વેચાતું એક નાળિયેર આજે રૂ. 50 માં વેચાય છે. ભાવ 3 ગણા થઇ જતાં વેપાર પણ 40 થી 50 ટકા ઘટી ગયો છે. નાળિયેર પીવુ ગ્રાહકોને પરવડતું નથી. આથી સ્ટોક પણ પડતર રહે છે.

એક સમયે 1982ના વાવાઝોડા બાદ ઊનામાં ફક્ત 4 રેકડીઓમાં નાળિયેર વેચાતા. સમય જતાં નાળિયેરીનું વાવેતર વધતાં આજે 74 રેકડીમાં નાળિયેર વેચાય છે. પણ વાવાઝોડાને લીધે હાલ માંડ 10 થી 12 રેકડીમાં નાળિયેરના વેચાય છે. ઊના પંથકમાં નાળિયેરીના વ્યવસાય સાથે 5 હજાર શ્રમિકો જોડાયેલા છે. અને તેઓને બારેમાસ રોજગાર મળતો. હવે એ લોકો બેરોજગાર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...