‘પારકી આશ સદા નિરાશા’:ઉનાના ઉમેજ ગામના ખેડૂતોની આત્મનિર્ભરતા, 300-300 રૂપિયા ઉઘરાવી રાવલ નદી પર કાચો પુલ બનાવ્યો

ઉના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂતો દ્વારા પોતાની જાતે રાવલ નદી ઉપર કાચો પુલ બનાવવામાં આવી રહ્યો છે. પુલ બનાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. - Divya Bhaskar
ખેડૂતો દ્વારા પોતાની જાતે રાવલ નદી ઉપર કાચો પુલ બનાવવામાં આવી રહ્યો છે. પુલ બનાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.
  • ગ્રામ પંચાયત, પૂર્વ ધારાસભ્ય, હાલના સાંસદની રજૂઆત પણ નિષ્ફળ

પારકી આશ સદા નિરાશની અનુભૂતિ થતા ઉમેજ ગામના લોકો અપના હાથ જગન્નાથ ગણી રાવલ નદીમાં વહેતા પાણીએ રસ્તો બનાવવા મથી રહ્યા છે. વિગત જાણે એમ છે કે, ઉનાના ઉમેજ ગામ વચ્ચેથી રાવલ નદી પસાર થતી હોય ગામ બે કાંઠે વહેંચાઇ ગયું છે. ઉમેજ ગામની વસતી 6,575ની છે જેમાંથી સામે કાંઠે વસતા લોકો 60 ટકા છે.

દર વર્ષે ચોમાસામાં રાવલ નદીમાં પુર આવતા 4 માસ સુધી નદીના સામે કાંઠે વસતા લોકોની અવર જવર બંધ થઇ જાય છે. ખેડૂતો ખેતરે જઇ શકતા નથી. ખેડૂતોને ખેતી કામ માટે દવા, સાધનો, ખાતર ખરીદવા તેમજ બાળકોને શાળાએ જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને ના છૂટકે જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે.

આ અંગે ખેડૂતો, ગ્રામજનો, ગ્રામપંચાયત, પૂર્વ ધારાસભ્ય અને સાંસદસભ્યએ રજૂઆત કરવા છત્તાં સરકારી તંત્ર દ્વારા નદીમાં પુલ બનાવ્યો ન હતો. બાદમાં ખેડૂતો, ગ્રામજનો અને આગેવાનોએ શ્રમદાન કરી રાવલ નદીના વહેતા પાણીમાં જેસીબી, ટ્રેકટરથી પથ્થરો, સિમેન્ટના પાઇપ ( ભૂંગળા) નાંખી બેઠો પુલ અને કાચો રસ્તો બનાવી રહ્યા છે. ત્યારે સરકાર આ મામલે સત્વરે કાર્યવાહી કરી તાત્કાલીક રાવલ નદી પર બેઠો પુલ બનાવી આપે તેવી ખેડૂતોની માંગણી છે.

પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યો મદદે આવ્યા
રાવલ નદી પર કાચો પુલ અને રસ્તો બનાવવા ખેડૂતોએ ફાળો કર્યો હતો અને જાત મહેનતે કામગીરી ઉપાડી હતી. બાદમાં પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય પ્રકાશભાઇ ટાંક દ્વારા પુલ બનાવવા માટે જરૂરી સિમેન્ટના પાઇપ (ભૂંગળા) આપવામાં આવ્યા છે. કે.સી. રાઠોડે ગત વર્ષે પણ પુલ બનાવવા સિમેન્ટના પાઇપ આપ્યા હતા.

સામે કાંઠે વસતા 60 ટકા લોકોને હાલાકી
ઉમેજની રાવલ નદીના સામે કાંઠે 60 ટકાની વસ્તી છે. ચોમાસામાં રાવલ નદીમાં પાણી આવતા સામે કાંઠે વસતા લોકો, ખેડૂતોને 4 મહિના સુધી જીવન જરૂરિયાતની વસ્તુ, ખેતીના સાધનો લઇ જવા જીવના જોખમે નદીના ધસમસતા પાણીમાંથી પસાર થવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...