તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ગીરગઢડા તાલુકાના બંધારડાની સીમમાંથી કોન્ટ્રાક્ટર, મજૂરોએ જ વીજ વાયર ચોર્યા 'તા

ઊના25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊના પોલીસે ચોરાયેલા વાયર સહિતનો સામાન કબ્જે કર્યો : ઉંડાણપૂર્વક તપાસ કરાશે કે ભીનું સંકેલી લેવાશે ?

ઊના-ગિરગઢડા તાલુકાના બંધારડા ગામની સીમમાંથી વાયર સહિતની ચીજ વસ્તુઓની ચોરી થયાની ફરિયાદ પીજીવીસીએલના ઇજનેરે ઊના પોલીસમાં નોંધાવી હતી. જેમાં પોલીસ મળેલી બાતમીના આધારે તપાસ કરતાં ઊના-વેરાવળ રોડ ઉપર આવેલી શિક્ષક સોસાયટી પાસે શાળા નજીક તૃપ્તિ કૃપા ગોડાઉને ઓન ડ્યુટી પીજીવીસીએલ લખેલી બોલેરો પીકઅપ નં. જીજે 11ઝેડ 1403 માં વાયર અને સામાન ભરેલા દેખાયા હતા.

આથી તેને ઊના પોલીસ સ્ટેશને લાવી તેમાં બેઠેલા કપિલભાઈ દિલીપભાઈ ભટ્ટ અને કાળુભાઈ માયાભાઈ બાંભણિયા (રે. ઊના) ની પુછપરછ હાથ ધરતાં પોતે પીજીવીસીએલના કોન્ટ્રાકટર હોવાનું અને આ વાયર તેમજ સામાન ચોરીનો હોવાની કબૂલાત આપી હતી. આથી ઊના પોલીસે તેઓની ધરપકડ કરી હતી. જોકે, ઊના-ગિરગઢડા તાલુકામાં મોટાપાયે ખેતીવાડી અને જ્યોતિ યોજના સીટી ફીડર 11 કેવીનો લાખો કિલો વજનનો વાયર, સબસ્ટેશન તેમજ એંગલ સહિતનો માલસામાન વાવાઝોડાનાં કારણે પડી ગયો છે.

હાલ આ લાઈનો ઊભી કરવા નવા માલસામાનનો ઉપયોગ કરાય છે. જે માટે 35 થી વધુ કોન્ટ્રાકટરની ટીમોને કામો આપ્યા છે. અને તેમાં જૂનો માલસામાન વાપરીને નવા માલનાં બીલો મૂકાતા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. ત્યારે ઊના-ગિરગઢડા તાલુકામાં આવી હજારો વીજ લાઈનનો સામાન ક્યાં ગયો તેની તપાસ કરીને આ ચોરીનું કૌભાંડ બહાર લાવવું જોઈએ. આવાં કેટલા ગામની વિજ લાઈનો કોન્ટ્રાકટરોએ અને તેનાં માણસોએ બારોબાર નાંખી દીધી તેની ઉંડાણપૂર્વકની તપાસ કરાશે કે પછી સમગ્ર કૌભાંડને ભીનું સંકેલી લેવાશે એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. તસવીર - જયેશ ગોંધિયા

અન્ય સમાચારો પણ છે...