રસ્તા રોકો આંદોલન:બિસ્માર રોડ પર પથ્થર મૂકી લોકોનો ચક્કાજામ, બે કિમી વાહનોની લાઈન

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્થાનિકો દ્વારા રોડ પર પથ્થરો મુકી આંદોલન કર્યું હતું અને અઠવાડિયામાં રસ્તો બનાવી આપવાની ખાત્રી આપતા આંદોલન સમેટાયું હતું. - Divya Bhaskar
સ્થાનિકો દ્વારા રોડ પર પથ્થરો મુકી આંદોલન કર્યું હતું અને અઠવાડિયામાં રસ્તો બનાવી આપવાની ખાત્રી આપતા આંદોલન સમેટાયું હતું.
  • ઊનાનો વેરાવળ રોડ બિસ્માર બનતાં સ્થાનિકોનું રસ્તા રોકો આંદોલન
  • હાઈવેના અધિકારીએ અઠવાડિયામાં રસ્તો બનાવાની ખાતરી આપતા આંદોલન સમેટાયું

ઊના શહેરમાંથી પસાર થતો હાઇવે રોડ છેલ્લા 5 વર્ષથી બિસ્માર હાલતમાં છે. આથી રસ્તાથી ત્રાસેલા સ્થાનિકો દ્વારા રોડ ઉપર પથ્થરો મૂકી રસ્તા રોકો આંદોલન છેડ્યું હતું. ઘટનાને પગલે હાઈવે ઓથોરીટના અધિકારીઓ સ્થળ પર પહોંચી એક અઠવાડિયામાં રસ્તો બનાવી આપવાની ખાતરી આપતા આંદોલન સંમેટાયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ આ રસ્તા પર હાઇવે ઓથોરીટી માત્ર થિગડા મારી જતા રહે છે. પરિણામે રસ્તો અવાર-નવાર બિસ્માર બનતા બે ફુટ જેટલા મસમોટા ખાડા પડી ગયેલા જોવા મળે છે. જેના કારણે નાના-મોટા અકસ્માત રોજીંદા બનતાં અનેક વાહન ચાલકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.

ઉપરાંત રસ્તા પર આવેલા દુકાનદારો તેમજ રહેણાંક મકાનોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. આથી આ વિસ્તારના વોર્ડ નં.9 અને 7ના કોર્પોરેટર સ્થાનિક રહીશો બાબુભાઇ ડાભી, ચંન્દ્રેશભાઇ જોષી (રાધે), પરેશભાઇ બાંભણીયા, જેન્તીભાઇ બાંભણીયા, કલ્પેશભાઇ ડાભી સહીતના આગેવાનોએ આક્રોસ સાથે ખાડા બૂરવા આવેલા અધિકારીઓનું કામ રોકાવી રસ્તા પર પથ્થરો મુકી રસ્તા બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો.

જેના કારણે શહેરના મુખ્ય રસ્તા પર 2 કિ.મી. સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી અને હાઇવે રસ્તાના અધિકારીને પણ સ્થળ પર બોલાવી રસ્તા પર ડામર પાથરી એક અઠવાડિયા સુધીમાં રસ્તો બનાવાની ખાતરી આપતા આંદોલન સંમેટાયું હતું.

5 વર્ષથી રોડ પર થીંગડા મારી જતા રહે છે
ઊના વોર્ડ 9ના સદસ્ય અને કારોબારી ચેરમેનના પ્રતિનિધી બાબુભાઇ ડાભીએ જણાવ્યું હતું કે હાઇવે દ્વારા છેલ્લા 5 વર્ષથી રોડ પર કાકરા, માટી જેવું નાખીને થીંગડા મારીને જતાં રહે છે. આથી આજે પણ થીંગડા મારવાની વાત આવી તો હાઇવે દ્વારા ચોખ્ખી ના પાડી અને અમારી પાસે માલ હશે તો જ બનાવીશું, નહીંતર કામ નહી થાય. આમ જણાવતાં રોષે ભરાયેલા સ્થાનિકોને રસ્તો બંધ કરી ચક્કા જામ કરવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...