ભારે વરસાદ:ગીરગઢડા પંથકમાં 3 ઇંચ વરસાદ, રાવલ ડેમના 2 દરવાજા ખોલાયા

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊના ગીરગઢડા પંથકમાં વરસાદી વાતાવરણ વચ્ચે બપોર બાદ મેઘરાજા ધીમીધારે વરસી રહ્યા છે. ત્યારે સમગ્ર પંથકમાં બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગીરગઢડાના નાના સમઢીયાળામાં 3 ઇંચ વરસાદ ખાબકી જતાં ખેતરો તેમજ રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે ગીરગઢડા સનખડા, ગાંગડા, ખત્રીવાડા, ઉંટવાળા, પસવાળા, સૈયદ રાજપરાર, સામતેર, કાણકબરડા, ગરાળ, મોઠા, દેલવાડા, સંજવાપુર, સુલતાનપુર, ખાપટ, વડવીયાળા, સહિતના ગામોમાં 1 થી 2 ઇંચ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ઊના તાલુકાના દરીયામાં ભારે કરંટ જોવા મળતા દરીયાના ઉંચા મોજા ઉછળવા લાગ્યા હતા.

ડોળાસામાં મેઘ તાંડવ, મનમુકીને વરસ્યો : 4 ઈંચ વરસાદ
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે મેઘરાજા મનમુકીને વરસ્યો હતો. જના પગલે 4 ઇંચ વરસાદ પડી ગયો હતો. ડોળાસા અને આજુ-બાજુના ગામોમાં રાત્રીના 10 વાગ્યાથી 12 સુધીમાં વરસાદ શરૂ થયો હતો. દરમ્યાન બે ઈંચ ખાબક્યો હતો. જ્યારે વહેલી સવારે ધીમી ધારે શરૂ થતાં ફરી 2 ઇંચ પાણી પડ્યું હતું. આ વર્ષે સિઝનનો કુલ 20.5 ઇંચ વરસાદ નોંધાયો છે. સારા વરસાદના પગલે તળાવોમાં પાણી આવક જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

માળિયા હાટીનાની મેઘલ નદીમાં પુરથી ભાખરવડ ડેમ ઓવરફ્લો
માળિયા હાટીના તાલુકાનો ભાખરવડ ડેમ આજે બપોર બાદ અવરફ્લો થયો છે. આ સીઝનમાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ નહોતો થયો. આથી ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીની આવક પણ નહોતી થઇ. જોકે, છેલ્લા 3 દિવસથી એકધારા વરસાદને કારણે મેઘલ નદીમાં પુર આવતાં ભાખરવડ ડેમમાં નવા નીર આવ્યા હતા. અને ડેમ આજે સાંજે સાડા છ વાગે ઓવરફ્લો થયો છે. ભાખરવડ ડેમ ઓવરફ્લો થતાં વડાલા, માળિયા હાટીના, ભંડૂરી, સમઢિયાળા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને નદીના પટ્ટમાં અવરજવર ન કરવાની ચેતવણી અપાઈ છે. } તસવીર - મહેશ કાનાબાર

ઊના શહેરમાં એક ઇંચથી વધુ વરસાદથી મુખ્ય રસ્તા પર ડાંમર ઉખડી જતાં મોટા-મોટા ખાડા પડી ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને હાલકીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરવાસમાં સારા વરસાદના લીધે પાણીની આવક થતાં રાવલ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. જ્યારે મચ્છુન્દ્રી ડેમ ઓવર ફ્લો થવામાં માત્ર 0.35 સે.મી. બાકી છે.

કેશોદમાં ધીમીધારે 4 ઇંચ વરસાદથી ટાઢોડું
કેશોદમાં છેલ્લા 24 કલાકમાં ધીમીધારે 4 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે પણ વરસાદી માહોલ છે. અને લોકો રેઇનકોટ અને છત્રીમાં બહાર નિકળતા દેખાયા છે. કેશોદમાં 24 કલાક દરમ્યાન ધીમીધારે 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. આથી શહેરની ઉતાવળી, ટીલોરી નદી તેમજ વોંકળામાં પાણી વહેવા લાગ્યા હતા. આ સાથેજ કેશોદમાં સીઝનનો કુલ વરસાદ 29 ઇંચ નોંધાયો હતો. જ્યારે ઉપરવાસમાં વરસાદના કારણે ઓઝત નદી બે કાંઠે વહી રહી હતી. વરસાદ ધીમી ધારે હોવાથી માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ નહોતી.

અન્ય સમાચારો પણ છે...