ઓર્ગેનિક ગોળ:આ વર્ષે ગીરમાં 5 લાખથી વધુ ‘ડબ્બા ગોળ‘નું ઉત્પાદન થશે; આંકોલવાડી, બોરવાવ, સુરવા, હડમતિયા, માધુપુર, ઉમરેઠીમાં રાબડા શરૂ

તાલાલા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેસર કેરી માટે પ્રખ્યાત ગીરમાં કેસરી દેશી ગોળ બનાવવાના રાબડા શરૂ થઇ ગયા છે. અત્યારે એકલા તાલાલા પંથકમાંજ 50 થી વધુ રાબડા ધમધમવા લાગ્યા છે.તાલાલા તાલુકાનાં બોરવાવ, આંકોલવાડી, માધુપુર, હડમતિયા, ઉમરેઠી, સુરવા સહિતના ગામોમાં દિવાળીથી લઇ દેવદિવાળી સુધીના સમયગાળામાં રાબડા ધમધમવા લાગ્યા છે. આંકોલવાડી ખાતે રાબડા ચલાવતા સંકેતભાઇ ભંડેરી નામના યુવાન કહે છે, હાલ શેરડીમાંથી સ્યુગરની રીકવરી સારી મળે છે.

આથી સારી ક્વોલીટીનો ગોળ બનવા લાગ્યો છે. તાલાલા તાલુકાના ગામડાઓમાંથી રૂ. 2000 થી 2200 પ્રતિ ટનના ભાવે શેરડી પીલાણ માટે આવે છે. એક ટન શેરડીમાંથી 100 થી 110 કિલો ગોળ બને. આ રીતે એકલા તાલાલા પંથકમાંથીજ આ વર્ષે અંદાજે 5 લાખ ડબ્બા દેશી ગોળનું ઉત્પાદન થવાનો અંદાજ છે. જોકે, શેરડીનું વાવેતર ઘટતાં ગોળનું ઉત્પાદન પણ ક્રમશ: ઘટી રહ્યું છે.

સોશ્યલ મીડિયા થકી પણ વેચાણ
ઓર્ગેનિક ખેતી પેદાશોની માફક ગોળનું વેચાણ પણ ઉત્પાદકો સીધાજ સોશ્યલ મીડિયા મારફત ગ્રાહકને વેચે છે. આ રીતે તેઓને નફો પણ વધુ મળે છે. તો સામે પક્ષે ગ્રાહકને પણ સીધા ઉત્પાદક પાસેથી વસ્તુ ખરીદ્યાનો ચાર્મ રહે છે.

મણનો ભાવ 700 રૂપિયા
તાલાલાના રાબડાના દવા વગરના ગોળનો મણ દીઠ ભાવ 700 રૂપિયા ચાલી રહ્યો છે. જે 1, 3 અથવા 5 કિલોના પેકીંગમાં મળે છે.

ઓર્ગેનિકનો ક્રેઝ વધતાં ગોળની માંગ પણ વધી
ખાંડને લીધે આરોગ્યને થતા નુકસાનની સામે ગોળના ફાયદા હવે લોકો સમજવા લાગ્યા છે. આથી લોકોમાં રસોઇમાં ખાંડને બદલે ગોળનો વપરાશ વધ્યો છે. તો ઓર્ગેનિક ફૂડની જેમજ ગોળની માંગ પણ લોકોમાં વધી છે. તેમાંય કોઇ જાતનું કેમિકલ નાંખ્યા વિનાનો ગોળ મોટા શહેરોમાં ઉંચા ભાવે વેચાય છે. ઘણા લોકો સીધાજ રાબડાની મુલાકાત લઇને ઘર માટે વર્ષભરના ગોળની ખરીદી પણ કરતા હોય છે. તો અનેક લોકો ઓળખીતા રાબડાવાળાને ત્યાં ગરમાગરમ ગોળની લહેજત માણવા પણ આવી પહોંચતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...