સમસ્યા:ગીરમાં કેસર કેરીના મોર મોડા ફૂટવાની શક્યતા, ભાદરવાને બદલે આસો મહિનામાં આંબા પર નવા પાન ફૂટ્યા

તાલાલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝોડાની આંબાને અસર થઇ હતી

તાલાલા સહિત ગીર પંથકમાં કેસર કેરીના આંબા પર નવા પાન ફૂટવાની શરૂઆત 1 મહિનો મોડી થઇ છે. આથી આંબા પર પણ થોડા મોડા ફૂટે એવી શક્યતા આંબાવાડિયાના માલિકો જોઇ રહ્યા છે. કેસરના આંબા પર ચોમાસામાં વરસાદના સાર્વત્રિક રાઉન્ડ બાદ ભાદરવા માસમાં આંબા પર નવા પાન આવવાની શરૂઆત થાય છે. જેને દેશી ભાષામાં કોરામણ કહેવાય છે. તેનાથી આંબાનો વિસ્તાર વધતો હોય છે. આથી ખેડૂતો કોરામણને બચાવવા દેખરેખ રાખે છે.

જે આંબા પર કોરામણ ન આવે તેમાં દિવાળી બાદ ઠંડીની શરૂઆત થવા સાથે મોર ફૂટવાનું શરૂ થઇ જાય છે. આંબાની તંદુરસ્તી માટે પણ કોરામણનો તબક્કો આવશ્યક હોય છે. નવા પાન વધવાથી જેને આંબાનો વિસ્તાર વધવા સાથે ફળ પણ વધુ લાગે છે. આવા આંબા પર કોરામણ દોઢ મહિને પાકે અને જાન્યુઆરી માસ બાદ મોર ફૂટે. અત્યારે કોરામણનો તબક્કો આવ્યો હોઇ મોર ફૂટવાની પ્રક્રિયા થોડી મોડી થશે. આમ આંબા પર આ વખતે મોર ફૂટવાની પ્રક્રિયા થોડી મોડી શરૂ થઇ શકે એમ વાડી માલિકોનું કહેવું છે.

તાઉતેથી આખે આખા આંબા ધરાશાયી થયા હતા
મે માસમાં તાઉતે વાવાઝોડા વખતે આખા સોરઠના આંબાવાડિયાઓમાં આંબાનો મોટા પાયે સોથ વળી ગયો છે. જે આંબા બચી ગયા છે તેમાંથી જે ઉતારો મળે એના પરજ ખેડૂતોની આવક નક્કી થશે. આથી આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય તો પણ નવાઇ નહીં.

અન્ય સમાચારો પણ છે...