તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલમની સીઝન:વાવાઝોડાને લીધે આંબાની કલમનો ભાવ 100 રૂપિયા વધ્યો

તાલાલા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષથી દર વર્ષે કેસર કેરીની 5 લાખથી વધુ કલમ વેચાય છે: 30 ટકા સ્થાનિક અને 70 ટકા કલમ બહારના ખેડૂતો લઇ જાય છે

તાલાલા તાલુકામાં કેસર કેરીની સાથે કેસરના આંબાની કલમનું વેચાણ પણ છેલ્લા 4 વર્ષથી ખુબજ વધી ગયું છે. દર વર્ષે કેસર કેરીની અંદાજે 5 લાખ કલમ વેચાઇ જાય છે. તાલાલ પંથકમાં કલમના વાવેતરમાં પણ ખેડૂતો રસ લેવા લાગ્યા છે. એક આંબો વર્ષો સુધી કેરી આપતો હોવાથી ખેડૂતને બેઠી આવક થાય છે. આથી પણ ખેડૂતો આંબા તરફ વળ્યા છે. તેમાં આ વર્ષે વાવાઝોડાને લીધે કેસર કેરીના આંબાની કલમમાં 100 રૂપિયાનો વધારો થયો છે.

ગિર પંથકની કેસર કેરી દેશવિદેશમાં પ્રખ્યાત બની છે. ત્યારે સોરઠની બહારના ખેડૂતો પણ તેનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવા લાગ્યા છે. કેસર કેરીનો આંબો વાવવા માટે તેની કલમ પણ મોટી સંખ્યામાં જોઇએ. આથી હવે ગિરમાં ખેડૂતો કેસરની કલમનું ખાસ વાવેતર કરે છે. એક અંદાજ મુજબ છેલ્લા ચાર વર્ષથી તો દર વર્ષે 5 લાખ કેસરની કલમો વેચાઇ જાય છે. ગિરમાં હાલ 16 લાખથી વધુ આંબા છે. જેમાં ખેડૂતો દ્વારા તૈયાર કરાતી કલમોથી સતત વધારો થઇ રહ્યો છે.

તાલાલા ઉપરાંત ગિરના ભાલછેલ, સુરવા, હડમતિયા, આંકોલવાડી, રમળેચી સહિતના ગામોમાં આંબાની કલમ માટે ચાલતી નર્સરી પણ સારી એવી કમાણી કરે છે. એકલા તાલાલા તાલુકામાં 30 ટકાથી વધુ કલમનું વાવેતર થાય છે. જ્યારે 70 ટકા લકમ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય જીલ્લાના ખેડૂતો લઇ જતા હોય છે.

આ વર્ષે તાઉતે વાવાઝોડાને લીધે મોટાપાયે આંબાનું નિકંદન નિકળી જવાને લીધે ઊના, ગિરગઢડા અને કોડીનાર તાલુકાના આર્થિક રીતે સક્ષમ વાડી માલિકો પણ આંબાની કલમ લઇ ગયા છે. પરિણામે તેના ભાવમાં પણ 100 રૂપિયાનો વધારો થયો છે. કેસર કેરીના આંબાની એક કલમનો ભાવ રૂ. 250 થી માંડીને 500 સુધીનો હોય છે. આ રીતે જોતાં હવે એક કલમનો ભાવ રૂ. 350 થી 600 સુધી થવા જાય છે. આમ, ગિરમાં કલમની નર્સરીનો ધંધો પણ વધ્યો છે.

કલમની સીઝન ચોમાસા પછી શરૂ થાય
કેસર કેરીના આંબાની કલમનું વાવેતર હંમેશાં ચોમાસું બેસી ગયા પછી થતું હોય છે. એકાદ વરસાદ પડી ગયા પછી જમીનમાં ભેજ હોય ત્યારે તેનું વાવેતર કરી શકાય. એજ વખતે તેના વેચાણની સીઝન હોય છે.

​​​​​​​આંબો આવકની સાથે ગ્રીન બેલ્ટ વધારે છે
આંબાના વધી રહેલા વાવેતરને લીધે કેરીનું ઉત્પાદન તો વધે જ છે. સાથે ગિરના ગ્રીન બેલ્ટમાં પણ વધારો થઇ રહ્યો છે. જે ગ્લોબલ વોર્મીંગની અસરને ઘટાડવામાં મદદરૂપ બને છે. આમ આંબો વાવેતર કરનારની સાથે પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે.
​​​​​​​

અન્ય સમાચારો પણ છે...