પડ્યા ઉપર પાટુ:રોયલ્ટી રદ કરતા 57 સ્ટોન ક્રશર બંધ, આત્મ વિલોપનની ચિમકી

તાલાલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસ કામો અટકશે, રીયલસ એસ્ટેટને માઠી અસર, લોકો બેકાર બનશે

ગીર-સોમનાથ જિલ્લાનાં 6 તાલુકામાં ચાલતાં 57 સ્ટોન ક્રશરનું રોયલ્ટી રદ થતાં આ તમામ સ્ટોન ક્રશર બંધ થઇ ગયાં છે. જેથી વિકાસ કામો પણ અટકી પડયા છે. તેમજ રીયલ એસ્ટેટનાં ધંધાને પણ માઠી અસર પહોંચી છે. ખાણ ખનિજ વિભાગ અધિકારીનાં મનસ્વી વલણ સામે સ્ટોન ક્રશર એસો.એ હડતાલ જાહેર કરી આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. હોદેદારોએ સીએમને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે જિલ્લા ખાણ ખનિજ અધીકારી સુમીત ચૌહાણે તમામ સ્ટોન ક્રશર સંચાલકોને ત્રણ મુદાની નોટીસ આપી હતી. જેમાં લીઝ હોલ્ડરોએ માઇનીંગ પ્લાન રજુ કરવા ઇ.સી. રજુ કરવા અને વન વિભાગનાં વાંધા પ્રમાણપત્રો રજુ કરવા જે અંતર્ગત લીઝ ધારકોએ માઇનીંગ પ્લાન રજુ કરેલ.

30 ટકા લીઝ ધારકોને ઇ.સી. સર્ટિફિકેટ મળેલા તે રજુ ક રેલ. જયારે બાકીનાં 70 ટકા લીઝ ધારકોનાં ઇ.સી. પ્રમાણપત્રોની અરજી સરકારમાં પેન્ડીંગ છે અને વન વિભાગનાં ના વાંધા પ્રમાણપત્ર માટે તમામ લીઝ ધારકોએ અરજી કરેલ છે. જે વન વિભાગમાં પેન્ડીંગ છે. અને તમામ લીઝ હોલ્ડરોએ આ જવાબ રજુ  કર્યો હતો. તેમ છતાં ખાણ ખનિજ વિભાગે અમુક લીઝ હોલ્ડરોની રોયલ્ટી એકાઉન્ટ બંધ કરી દીધા છે.  

સૌરાષ્ટ્રનાં 4 જિલ્લા જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ગીર-સોમનાથમાં લીઝ હોલ્ડરોને ઇ.સી. પ્રમાણપત્રો મળવા અને વન વિભાગનાં ના વાંધા પ્રમાણપત્રો મળવાનાં પેન્ડીંગ પ્રશ્નો 3 વર્ષથી છે. છતાં જૂનાગઢ, પોરબંદર, અમરેલી જિલ્લામા તમામ લીઝ ધારકોની રોયલ્ટી ચાલુ  છે. જયારે ગીર-સોમનાથ જિલ્લામાં રોયલ્ટી એકાઉન્ટ બંધ થતાં તમામ સ્ટોન ક્રશરોને ભારે નુકશાન થયું છે. જેથી આ તમામ લીઝ ધારકોએ રજૂઆત કરી છે અને યોગ્ય નહીં કરાય તો ખાણ ખનિજ વિભાગ કચેરીએ જ સામુહિક આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે. અને અધિકારીનાં મનસ્વી વર્તન સામે રોષ વ્યકત કર્યો હતો. હાલમાં કોરોના મહામારી વચ્ચે સ્ટોન ક્રશરનાં ધંધા બંધ થતાં 15 હજારથી વધુ લોકો બેકાર બન્યાં છે.

અધિકારીનો સંપર્ક થતો નથી 
ગીર-સોમનાથ જિલ્લા સ્ટોન ક્રશર એસો.એ ખાણ ખનિજ વિભાગનાં અધિકારી સુમીત ચૌહાણનાં મનસ્વી નિર્ણયને લઇ સીએમ સુધી લેખિત રજૂઆત કરી આત્મ વિલોપન સુધીની તૈયારી બતાવી હોય આ અંગે અધિકારીનું સંપર્ક કરતાં તેમનો ફોન રીસીવ થયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...