ઘોડાપુર:તાલાલા પંથકમાં 30 કલાકમાં 15 ઇંચ વરસાદ

તાલાલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિરણ, સરસ્વતી, કરકરીમાં ઘોડાપુર આવ્યા

તાલાલા સહિત ગીરમાં ભૂગર્ભ જળની સમૃદ્ધિ વધારતા મેઘરાજાએ 30 કલાકમાં 15 ઇંચ વરસાદ વરસાવી દીધો છે. તાલાલા સહિત ગીરમાં સમયસર વરસાદના રાઉન્ડથી નદી-નાળા છલકાઇ ગયા છે. હિરણ, સરસ્વતી, કરકરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે.

હિરણ-1 ડેમ જંગલમાં આવેલો છે. તેની ફરતેના ડુંગરાઓમાં વરસાદને લીધે પાણીની ધીંગી આવક થઇ છે. આથી હિરણ-1 ઓવરફ્લોની ક્ષમતાના 50 ટકા ભરાઇ ગયો છે. હિરણ-2 ડેમ આજે મોડી રાત્રે છલકાઇને ઓવરફ્લો થવાની શક્યતા છે. તાલાલા બાગાયતી તાલુકો છે. અને આંબાને ધૂળેટી બાદ ઉનાળામાં પિયતની જરૂર પડે છે.

વરસાદના આ રાઉન્ડથી ખેડૂતોને પિયતની ચિંતા ટળી ગઇ છે. વરસાદને લીધે તાલાલાથી કોડીનાર, ઊનાને જોડતા સ્ટેટ હાઇવે પર તાલાલાના ગુંદરણ રોડ રેલ્વે ફાટક પાસે પાણીનો ભરાવો થતાં આજે સવારે 2 કલાક સુધી વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. જોકે, પાણી ઓસરતાં ફરી પૂર્વવત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...