તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીમાંકન:સુત્રાપાડામાં 16 વર્ષમાં 6732 ની વસ્તી, 9.22 કિમી વિસ્તાર વધ્યો

સુત્રાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંદર પંચાયત સમરસ થતી હોવાથી ભળવાનો સામુહિક ઇન્કાર

સુત્રાપાડા નગરપાલિકા બન્યા બાદ અત્યાર સુધીમાં 9.22 ચોરસ કિમી વિસ્તાર વધારાયો છે. નગરપાલિકા બન્યાને 16 વર્ષ વિત્યા એ દરમ્યાન 6,732 લોકોની વસ્તીનો વધારો પણ થયો છે. સુત્રાપાડા ગ્રામ પંચાયતને તા. 11 ઓગષ્ટ 2005 માં નગરપાલિકાનો દરજ્જો મળ્યો. પંચાયત વખતે સુત્રાપાડાની હદ 17.50 ચોરસ કિમી અને 2001 મુજબ કુલ વસ્તી 17,985 લોકોની હતી. અત્યારે સુત્રાપાડા નગરપાલિકા વિસ્તારની કુલ વસ્તી 24,717 ની છે. અને હાલના સીમાંકન પ્રમાણે કુલ વિસ્તાર 26.72 ચોરસ કિમી છે.

જોકે, વર્ષ 2014-15 બાદ તેની સીમા વધારવાની કોઇજ દરખાસ્ત કરાઇ નથી. પાલિકા બન્યા પછીએ બાજુનું એકપણ ગામ તેમાં ભેળવાયું નથી. ત્યાં સુધીકે, સુત્રાપાડા બંદર પણ ગ્રામ પંચાયત હસ્તક છે. તેની કુલ વસ્તી 5500 ની છે.

આ પંચાયતને સુત્રાપાડા નગરપાલિકામાં ભેળવવા માટે પાલિકાએ વર્ષ 2014-15 માં કલેક્ટરને દરખાસ્ત કરી હતી. પણ ખુદ પંચાયતેજ પાલિકામાં ભળવાના ઠરાવને નામંજૂર કર્યો. અત્યાર સુધીમાં સ્થાનિક નેતાઓએ સુત્રાપાડા બંદરને નગરપાલિકામાં ભેળવવા બેઠકો યોજી હતી. પણ કોઇ ફળદાયી પરિણામ નથી મળ્યું. સુત્રાપાડા બંદરના લોકોનું કહેવું છે કે, સુત્રાપાડા બંદર ગ્રામ પંચાયત 1974 થી સમરસ થતી આવે છે. અમારે ત્યાં કોઈ દિવસ પંચાયતની ચૂંટણી નથી યોજાઇ. અને અમારા બધા કામ શાંતિપૂર્ણ રીતે થઈ જાય છે. આથીજ બંદરના સમસ્ત ગ્રામજનો અને સર્વે સમાજના પટેલો, સરપંચ સહિતનાએ નક્કી કર્યું છે કે, આપણે સુત્રાપાડા નગરપાલિકામાં ભળવું નથી.

અન્ય સમાચારો પણ છે...