આપઘાતનો પ્રયાસ:'મા મને આમ રોડ ઉપર મૂકીને જતા ના રહો’ કહી જૂનાગઢની પરિણીતાએ દવા પીધી; પતિ, કૌટુંબિક જેઠ, નણંદોયા સામે દુષ્કર્મની ફરિયાદ

સુત્રાપાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • ચાર વર્ષ પહેલાં જૂનાગઢની યુવતીએ સુત્રાપાડાના ઉંબરીના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા

જૂનાગઢની એક યુવતીએ 4 વર્ષ પહેલાં સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા, પણ લગ્ન બાદ પતિ તેને રાખવા નહોતો માગતો. આથી પત્નીને કાઢી મૂકી હતી. જોકે બે દિવસ પહેલાં તેની પત્ની સાસરે આવી હતી અને સોશિયલ મીડિયા પર લાઇવ થઇ ઘરમાં જવાની કોશિશ કરી. બાદમાં ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે વેરાવળ ખસેડાઇ હતી, જ્યાં તેણે પતિ, કૌટુંબિક જેઠ અને નણંદોયા સામે પોતાના પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે.

મરજી વિરદ્ધ લગ્ન કર્યા હતા ​​​​​​
સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામનો ચંદ્રકાંત નામનો યુવાન જૂનાગઢ ભણતો હતો ત્યારે તેની જ જ્ઞાતિના મિત્રની બહેન સાથે પ્રેમ થયો હતો અને કોઇ ઘેર ન હોય ત્યારે ઘેર જઇ જાણે તેની પત્ની હોય એ રીતે વર્તતો. 2018માં તેણે એ યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. યુવતીનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હતાં અને તેના ભાઇ સાથે રહેતી હતી. યુવતીને ચંદ્રકાંત સાથે લગ્નની તેનાં પરિવારજનોએ સંમતિ ન આપતાં તેણે મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા.

અવારનવાર મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો
લગ્ન બાદ ચંદ્રકાંત પત્ની પાસે આવતો, પણ તેને પોતાને ઘરે નહોતો લઇ જતો. યુવતીએ દબાણ કરતાં તેને ઉંબરી ગામે લાવી ગામમાં એક રૂમ રાખી ત્યાં તે આવતો. યુવતી તેને ઘેર લઇ જવા કહેતી, પણ લઇ નહોતો જતો. તે પત્ની સાથે જબરદસ્તીથી શરીરસંબંધ બાંધતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરતો. બાદમાં ચંદ્રકાંતના કૌટુંબિક મોટા ભાઇ પ્રવીણભાઇ અને નણંદોયા દેવેન્દ્ર પણ તેની રૂમે આવતા અને તેના પર દુષ્કર્મ આચરતા રહ્યા.

આખરે ઝેરી દવા પી આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો!
યુવતી વિરોધ કરતી તો તેને માર મારતા હતા. દેવેન્દ્ર તો તેને કહેતો તારા ઘરવાળાએ જ મને મોકલ્યો છે તને મનોરંજન માટે જ રાખી છે. આખરે કંટાળીને તે પોતાને માવતર જૂનાગઢ આવી હતી. બાદમાં તા. 11 એપ્રિલે ઉંબરી ગઇ હતી અને સાસરાના ઘરના ફળિયામાં સોશિયલ મીડિયા પર લાઇવ થઇ ઘરમાં જવા પ્રયત્ન કરતાં તેને ચંદ્રકાંતની માતા ધક્કો મારી બહાર કાઢવા પ્રયત્ન કરતાં યુવતીએ કમ્પાઉન્ડમાં જ ઝેરી દવા પી લેતાં તેને વેરાવળ સિવિલ હોસ્પિટલે ખસેડી હતી. બનાવ અંગે યુવતીએ પતિ, કૌટુંબિક જેઠ અને નણંદોયા સામે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી માર મારવાની ફરિયાદ નોંધાવી છે.

યુવતી સોશિયલ મીડિયા પર લાઇવ થઇ રડતાં રડતાં બોલતી’તી

  • આ લોકોએ મને જીવવા નથી દીધી એટલે દવા પીઉં છું.
  • મા મને રેવા દ્યો, આવી રીતે રોડ ઉપર મૂકીને વયા જાવ મા બધાય.
  • મેં શું બગાડ્યું છે તમારું, મારી હારે આમ કરો મા, તમે ચંદ્રકાંતની હારે મળીને શું કામ આવું બધું કરો છો?
  • યુવતીની સાસુ: તેં તો લોહી પીધું, આ તો જો વીડિયો ઉતારે છે
  • યુવતી : આ લોકો મને એટલી હેરાન કરે છે કે એની કોઇ સીમા નથી. મારી સહનશક્તિની હદ પૂરી ગઇ છે. મને ક્યાંયની નથી રાખી. મને મરવા મજબૂર કરી છે. આ લોકોએ મારા પર બળાત્કાર કર્યો છે, મારું મેડિકલ ચેકઅપ કરાવો. 100 નંબરને ફોન કરો. પ્લીઝ મને ન્યાય આપો.
અન્ય સમાચારો પણ છે...