સાર્વત્રિક વરસાદ:વેરાવળમાં સવારે 2 કલાકમાં બે ઇંચ, દેવકા નદી બે કાંઠે

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વેરાવળમાં સોમવારે મોડી રાત્રેથી મેઘરાજા એ એન્ટ્રી કરી હતી. આખી રાત ધીમી ધારે વરસાદ પડ્યો હતો. મંગળવારે વ્હેલી સવારે 6 થી 8 વાગ્યા સુધી બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં વરસાદને લીધે દેવકા નદીમાં બે કાંઠે વહેવા લાગી હતી. શહેરના ડાભોર રોડ, સાઈબાબા મંદિર રોડ, હુડકો સોસાયટી, બિહારી નગરમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા.

હિરણ-2 માં 10 ફૂટ નવું પાણી
વેરાવળના ભેરાળા, મંડોર, ઇશ્વરિયા, ઇન્દ્રોઈ, નાવદ્રા, સોનારિયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી, પ્રભાસ પાટણ અને તાલાલા તલુકાના ઉમરેઠી અને માલજીંજવા સહિત 13 ગામોને એલર્ટ કરાયા હતા.

વેરાવળ તરફ જતી એક કાર તણાવા લાગી હતી. જેને વેરાવળમાં રહેતા એન્જિનિયર હિરેનભાઇ મકવાણા, તેમના પુત્ર પ્રતિક અને મમદભાઇ આકાણીએ કારને રોડની સાઈડમાં ખેસાડી તેનું લોક તોડી બે બાળકો સહિતના લોકોને બહાર કાઢ્યા હતા.

ઊનામાં રાત્રે 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો
ઊના-ગીરગઢડા પંથકમાં ગત રાત્રે મેઘરાજા મહેરબાન થયા હોય એમ 3 ઇંચથી વધુ વરસાદ પડી જતાં ગીરમાંથી પસાર થતી મચ્છુન્દ્રી તેમજ રાવલ નદી પરના ડેમ ઓવરફ્લો થયા હતા અને નદીઓમાં નવા નીર આવ્યા હતા. ઊનામાં રાત્રે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો હતો. જોકે, સવાર સુધીમાં 3 ઇંચ પાણી પડી ગયું હતું. જ્યારે ગીરગઢડામાં 2 ઇંચ વરસાદ થયો હતો.

તાલુકાના જરગલી, સનખડા, ગાંગડા, ખત્રીવાળા, ઉંટવાળા, પસવાળા, મોઠા, ગરાળ, સીમર, કાણકબરડા, સામતેર, કેસરિયા, નવાબંદર, સૈયદ રાજપરા, વડવિયાળા સહિતના ગામોમાં પણ 2 થી 3 ઇંચ વરસાદ થયાના અહેવાલ છે. રાત્રે ભારે વરસાદથી મચ્છુન્દ્રી ડેમ ઓવરફ્લો થતાં નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવાયા હતા. તાલુકાના નિચાણવાળા વિસ્તારને મામલતદારે એલર્ટ કર્યા હતા.

ધામળેજમાં 24 કલાકમાં ધીમીધારે 5 ઇંચ વરસાદ
ધામળેજ સહિતના વિસ્તારોમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં વરસાદે જમાવટ કરતાં 24 કલાકમાં ધીમીધારે 5 ઈંચ વરસાદ વરસ્યો છે. હાલ આ પંથકમાં વાવણી લાયક વરસાદ પછીના રાઉન્ડમાં આ સારો વરસાદ થયો છે. ત્યારે ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે.

ગીરના જંગલોમાં ભારે વરસાદને કારણે કણજોતર નજીક આવેલી સોમત નદી પર સીઝનનું પહેલું પુર આવ્યું હતું. જેને પગલે લોકોના ટોળા બે કાંઠે વહેતી સોમત નદી જોવા એકઠા થયા હતા. નદી પર આવેલા બરડા બંધારા (બલરામ ભરતી યોજના) ડેમમાં પાણીની સપાટી વધતા ડેમ ઓવરફ્લો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...