તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:આવતીકાલથી સોમનાથ મંદિર ફરી દર્શન માટે ખુલશે

વેરાવળ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ લોકડાઉનમાં 89 દિવસ અને 11 એપ્રિલથી બીજા લોકડાઉનમાં 61 દિવસ મંદિર બંધ રહ્યું

કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને સોમનાથ મહાદેવ મંદિર તા. 11 એપ્રિલ 2021 થી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યુ હતું. જે હવે તા. 11 જૂન 2021 થી ભાવિકો માટે ખુલી જશે. આમ આ કોરોનાની બીજી લહેર બાદ 61 દિવસે ફરી મંદિર ખુલશે. આ અગાઉ પ્રથમ લોકડાઉન વખતે તા. 23 માર્ચ 2020 થી 8 જુન 2020 દરમ્યાન 89 દિવસ માટે મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહ્યું હતું.

આ અંગેની વિગતો આપતાં સોમનાથ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છેકે, ગાઈડલાઈન મુજબ દર્શન માટે માસ્ક ફરજીયાત પહેરીને જ આવવાનું રહેશે. મંદિરમાં અને આખા સંકુલમાં સામાજીક અંતર જાળવવાનું રહેશે, ટેમ્પરેચર ચેક કરાવી, હાથ સેનેટાઈઝ કરીને જ પ્રવેશ કરવાનો રહેશે.

સામાજીક અંતર માટે જે ગોળ રાઉન્ડ બનાવ્યા છે તેમાં જ ઊભા રહીને લાઈનમાં જવાનું રહેશે. મંદિરમાં પણ રેલીંગ કે કોઈપણ જગ્યાએ અડવું નહીં, મંદિરમાં દંડવત પ્રણામ ન કરવા, માત્ર દર્શન કરીને જ તુરંત બહારના ગેઈટથી બહાર નિકળવાનું રહેશે જેથી વધુમાં વધુ યાત્રિકોને દર્શન થઈ શકે. વિશેષમાં જણાવાયું છે કે, દર્શન માટેના પાસ ઓનલાઈન તેમજ ઓફલાઈન લેવા ફરજિયાત છે.

ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org પર પણ દર્શન માટેના સ્લોટની લીંક મૂકવામાં આવી છે. જે લીંક દ્વારા ઓનલાઈન બુક કરાવી દર્શન પાસ મેળવી શકાશે. જેથી વધુ સમય લાઈનમાં ન ઉભા રહેવું પડે. મંદિરમાં દર્શનનો સમય પણ મર્યાદિત છે. જે મુજબ સવારે 7:30 થી 11:30 અને 12:30 થી 6:30 સુધી માત્ર દર્શન માટે જ મંદિર ખુલશે. આરતીમાં કોઈને પણ પ્રવેશ આપવામાં નહીં આવે. આથી બહારથી આવતા શ્રદ્ધાળુઓએ અગાઉથી ઓનલાઈન દર્શનનું બુકીંગ કરાવીને જ દર્શન માટે આવવનું રહેશે. જેથી તેઓને પણ દર્શનમાં બિનજરૂરી વધુ પડતો સમય ઉભા ન રહેવું પડે.

અન્ય સમાચારો પણ છે...