વરસાદ ખેંચાયો છે. દિવસો વિતી રહ્યા છે. સત્તાવાર રીતે અત્યારે ભર ચોમાસા બાદ સરવડાંનો સમય છે. આ સમયે નદી-નાળાં બે કાંઠે વહેતા હોવા જોઇએ. એને બદલે ખાલીખમ છે. આજ સ્થિતી વેરાવળ અને સૂત્રાપાડાના લોકોને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોની છે. ગિર-સોમનાથ જિલ્લાની જીવાદોરી સમા જળાશયોમાં ગણત્રીના દિવસ ચાલે એટલુંજ પાણી છે. ગિર-સોમનાથ જિલ્લાના સિંચાઇ કાર્યપાલક ઇજનેર અરવિંદ પી. કલસરિયા કહે છે, જો વરસાદ નહીં થાય તો જળસંકટ તોળાવાની ભિતી છે.
આજની તારીખે હિરણ-2 ડેમમાં માત્ર 45 દિવસ સુધી જ આપી શકાય એટલું પાણી છે. ગત વર્ષે તા. 10 ઓગષ્ટ 2020 ના રોજ હિરણ-2 માં 100 ટકા પાણી હતું. અને આજે તા. 10 ઓગષ્ટ 2021 ના દિવસે માત્ર 4.45 ટકા બચ્યું છે. આટલું પાણી આગામી 45 દિવસ સુધી ચાલે. એટલા દિવસોમાં વરસાદ પડી જવો જોઇએ. હિરણ-2 ને સૌની યોજના સાથે જોડાવાનું કામ ગતિમાં છે. જેનુ ટેન્ડરીંગ પણ થઈ ચૂક્યું છે. આ ડેમ તેની સાથે જોડાતાં નર્મદાનું પાણી પણ મળતું થશે.
જે અંગેની લીંક-4 યોજનાનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે.આ અંગે વધુમાં મદદનીશ અધિકારીઓ એસ. જે. ગાધે અને એમ. બી. સિંધલના કહેવા મુજબ, જો આગામી દિવસોમાં વરસાદ ખેંચાશે તો પાણીની અછત સર્જાશે. શહેરમાં વરસાદ ભલે થોડોઘણો થયો. પણ તેનુ બધું પાણી દરિયામાં વહી ગયું છે. જો જુલાઇમાં ગીર અને તેના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હોત અને ઓગસ્ટમાં પણ ચાલુ રહ્યો હોત તો ડેમો છલકાઈ જાત. અને પાટિયા ખોલવાથી નદી-નાળામાં પાણી વહેતા હોત.
હિરણ-2માંથી પાણી ઉપાડતી સંસ્થા
10 ઓગષ્ટ 2020 અને 10 ઓગષ્ટ 2021 ની સ્થિતી
ડેમ | 2020માં વરસાદ | 2021 માં વરસાદ | 2020માં પાણી | 2021માં પાણી |
હિરણ-1 | 892 મીમી | 281 મીમી | 62.97 ટકા | 23.64 ટકા |
હિરણ-2 | 963 મીમી | 254 મીમી | 100 ટકા | 4.45 ટકા |
શિંગોડા | 947 મીમી | 251 મીમી | 90.68 ટકા | 30.48 ટકા |
રાવલ | 808 મીમી | 305 મીમી | 98.24 ટકા | 79.67 ટકા |
મચ્છુન્દ્રી | 670 મીમી | 246 મીમી | 100 ટકા | 62.94 ટકા |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.