ચોમાસુ / રાજકોટમાં 1, સુત્રાપાડામાં 2, વેરાવળમાં 2, જસદણના સાણથલીમાં 2 અને બાબરાના ધરાઇમાં દોઢ અને કાલાવડમાં 1 કલાકમાં 3 ઇંચ

X

  • ગડુ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢથી બે ઇંચ વરસાદ
  • ધારી પંથકમાં સવારથી બપોર સુધીમાં એક ઇંચ વરસાદ નોંધાયો
  • ઉના, ગીરગઢડા, વેરાવળ અને કોડીનારમાં ધીમીધારે, દીવમાં ધોધમાર વરસાદ
  • લાઠી, રાજુલા, જાફરાબાદ, ગોંડલ પંથકમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ
  • ભાવનગરમાં ત્રણ માળિયાનો એક ભાગ ધરાશાયી થતા એક વ્યક્તિને ઇજા

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 04:10 PM IST

રાજકોટ. આજે મંગળવારે સૌરાષ્ટ્રના વાતાવરણમાં સવારથી જ પલ્ટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે સવારથી જ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. સુત્રાપાડામાં 2 ઈંચ, વેરાવળમાં 1 ઈંચ, દીવ, ખાંભા, ઉના, કોડિનાર અને ગીર ગઢડામાં ધોધમાર વરસાદ  પડ્યો હતો. આ સાથે જ રાજકોટ અને અમરેલી જિલ્લામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ઉના, ગીરગઢડા, વેરાવળ અને કોડીનાર સહિતના ગ્રામ્ય પંથકમાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો. અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જસદણના સાણથલી ગામમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસતા રાજમાર્ગો પાણી પાણી થયા છે. જ્યારે બાબરાના ધરાઇ ગામે દોઢ કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસતા સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા છે. કાલાવડમાં એક કલાકમાં 3 ઇંચ, જામનગરમાં એક ઇંચ, જોડિયામાં 1 ઇંચ, ધ્રોલમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજકોટ અને ગોંડલ પંથકમાં ધોધમાર
અસહ્ય ગરમી બાદ રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાય ગયા હતા અને લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી.જસદણના સાણથલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમા વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. ઘણા દિવસો બાદ વરસાદ આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી. વાવણી પછી વરસાદ આવ્યો ન હોય ઉભા પાકને ફાયદો થશે.બે ઇંચ વરસાદથી ગામમાં પાણી ફરી વળ્યાં હતા. ગોંડલ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલના દેરડી વાસાવડ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. રાજકોટના શાપર-વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે ભારે વરસાદથી વાહન ચાલકોએ હાઈવે પર વાહનો થંભાવી દીધા હતા. ભરૂડી, રિબડા, બિલિયાળા, ભુણાવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.ડોડીયાળા ગામે ખેતર માં વીજળી પડી હતી વીજળી પડતા ખેતર માં ખેતી કામ કરતા એક વ્યક્તિ ને ઇજા થતાં ગોંડલ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


રાજકોટમાં પોસ્ટ ઓફિસ પાસે ઝાડ પડતા બે વાહનોને નુકસાન
રાજકોટ શહેરમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. સવારના 11વાગ્યાથી 12.30 વાગ્યા સુધી અવિરત વરસાદ ચાલુ રહ્યો હતો. ગાજવીજ સાથે શહેરમાં વરસાદ વરસ્યો હતો. 
એક ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળ્યાં  હતા. ગોંડલ રોડ, સ્વામિનારાયણ ચોક, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા.એક ઇંચ વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજકોટ પોસ્ટ ઓફિસ પાસે એક ઝાડ વાહનો પર પડ્યું હતું. જેથી વાહનોમાં ભારે નુકસાન પહોંચ્યું છે.

અમરેલી પંથકમાં ધોધમાર વરસાદથી નદીમાં પૂર આવ્યું

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લામાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. અમરેલીના શેડુભાર, માચીયાળા, ચિતલ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બાબરા પંથકમાં પણ પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થયો હતો. દરેડ, ખાખરીયા, જામબરવાળા, ચરખા, આબલિધાર, ઘુઘરાળા, મિયાખીજડીયા, કર્ણુકી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. લાઠી પંથકમાં પણ ઘનઘોર વાદળો વચ્ચે વરસાદનું આગમન થયું હતું.

લાઠી, રાજુલા અને જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ
લાઠી તેમજ દામનગરમાં વહેલી સવારથી ધોધમાર વરસી રહ્યો છે. ઘનઘોર વાદળો વચ્ચે વરસાદનું આગમન થયું છે. શહેરમાં રસ્તાઓ પાણી પાણી થયા છે. લાઠીના અકાળા, નાના રાજકોટ, દુઘાળામાં વરસાદ વરસ્યો છે. તેમજ જાફરાબાદના નાગેશ્રી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નાગેશ્રી, ચોંત્રા, બારમણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નાગેશ્રીની રાયડી નદીમા આવ્યું પૂર આવ્યું છે. નદીના પાણીમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે. રાજુલાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રામપરા ગામે વરસાદથી ગામમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

ગડુ પંથકમાં દોઢથી બે ઇંચ
ગડુ અને આસપાસના વિસ્તારમાં આજે સવારે 2 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ગડુ અને આસપાસના વિસ્તારના ગામડાઓમાં દોઢથી બે ઇંચ વરસાદ નોધાયો છે. ગઇકાલે આખો દિવસ અસહ્ય ગરમી બાદ આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ બંધાયું હતું આ વરસાદથી ખેડૂતોમાં હર્ષનું મોજું ફરી વળ્યું હતું. આ વિસ્તારમાં વધારે પડતું મગફળીનું વાવેતર હોવાથી આ સમયમાં મગફળીની પિયતની જરૂરિયાત હોય છે અને સમયસર વરસાદ આવી જતા મગફળીને સારો એવો ફાયદો થશે.


ભાવનગરમાં ત્રણ માળિયાનો એક ભાગ ધરાશાયી, એકને ઇજા 
ભાવનગરમાં વરસાદી માહોલ વચ્ચે ભરતનગરમાં આવેલ આદર્શ સોસાયટી ત્રણ માળિયાનો એકબાજુનો ભાગ ધડાકાભેર ઘરાશાયી થયો હતો. કાટમાળ નીચે આવેલી દુકાન પર પડ્યો હતો. ભરતનગરમાં આવેલ ત્રણ માળિયા વર્ષોથી જર્જરીત હાલતમાં હોય સ્થાનિક રહેવાસીઓએ હાઉસિંગ બોર્ડ અને સ્થાનિક નેતાઓને અનેકવાર રજૂઆતો કરી પરંતું માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. આજે અચાનક વરસાદને લઈને જર્જરિત બનેલ માળ તૂટી પડ્યો હતો જે તૂટેલો કાટમાળ નીચે આવેલી દુકાન પર પડતા દુકાનને નુકસાન થયું હતું અને એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઘટના બનતા લોકોનાં ટોળા  એકત્રિત થઈ ગયા હતા.

એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદ શરૂ
ગીર પંથકમાં એક અઠવાડિયાના વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોના ઉભા પાકને જીવનદાન મળ્યું છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વાવણી બાદ વરસાદ નહીં વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા અને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો હતો. ત્યારે આજે ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી હતી.

દીવમાં ધોધમાર વરસાદ
પ્રવાસન સ્થળ દીવમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાં શહેરની બજારોમાં પાણી વહેવા લાગ્યા હતા. આ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ખાંભા પંથકમાં વરસાદી માહોલ
વાવણી બાદ ખાંભા તાલુકામાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેડાણ, ખડાધાર અને બોરાળા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે ડેડાણની મેઈન બજારોમાં પાણી વહેવા લાગ્યા હતા.

(જયેશ ગોંધીયા-ઉના, હિરેન્દ્રસિંહ રાઠોડ-ખાંભા, કરસન બામટા, આટકોટ, દેવાંગ ભોજાણી, ગોંડલ, વિશાલ ડોડીયા, લાઠી, અરૂણ વેગડા, ધારી, જયદેવ વરૂ, અમરેલી)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી