સોમનાથ મંદિરે દિવાળીના તહેવારો દરમ્યાન ભાવિકોને પૂજાવિધી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. તો વેપારીઓને ઓનલાઇન લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન પણ કરાવવામાં આવશે. દિવાળીના તહેવારને લઇ મંદિરને રંગોળી અને દીવડાથી સુશોભિત કરાશે. સોમનાથના દર્શને આવતા ભાવિકોને દર્શન સાથે પૂજાવિધીનો પણ લાભ મળે એ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તા. 1 નવે. ને આસો વદ 11 થી તા. 5 નવે.ને નૂતનવર્ષ સુધી ગર્ભગૃહમાં અલગ-અલગ દ્રવ્યોથી રંગોળી કરાશે.
તા. 2 થી 4 નવેમ્બર એટલેકે, ધન તેરસથી દિવાળી સુધી મંદિરમાં રંગોળી તથા દિવડાથી સુશોભન તેમજ વિશેષ શ્રૃંગાર કરવામાં આવશે. તા. 3 ના રોજ માસિક શિવરાત્રિ પણ છે. આથી એ દિવસે મંદિર રાત્રે 12:30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. રાત્રે જ્યોત પૂજન, મહાપૂજા અને વિશેષ આરતી કરાશે.
તા. 4 ને દિવાળીના દિવસે સાંજે 4:30 વાગ્યે ઓનલાઈન ઝુમ એપના માધ્યમથી લક્ષ્મી પૂજન તથા ચોપડા પૂજન કરાવાશે. પૂજાવિધી ટ્રસ્ટની વેબસાઈટ પરથી નોંધાવી શકાશે. ટ્રસ્ટના અતિથીગૃહો પણ રોશની અને રંગોળીથી સુશોભિત કરાશે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા લાઈટ એન્ડ સાઉન્ડ શો, નવનિર્મીત વોક-વે, ટેમ્પલ મ્યુઝિયમનો લાભ લેવા ભાવિકોને અનુરોધ કરાયો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.