ટ્રાફિક પોલીસની કવાયત:મોટા શહેરોના ભીડવાળા વિસ્તારમાં પ્રવેશબંધી, તાલુકા મથકે ફૂટ પેટ્રોલીંગ

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજારની ઘરાકીની ભીડ કંટ્રોલ કરવા ટ્રાફિક પોલીસની કવાયત

દીવાળીના દિવસોમાં બજારમાં ખરીદી માટે નીકળતા લોકો મોટાભાગે વાહનોમાંજ બજારમાં જાય છે. આથી જિલ્લા મથક અથવા મોટા શહેરોની મેઇન બજારોમાં વાહન પાર્કિંગને લીધે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય એ માટે લગભગ બધા શહેરોમાં સાંકડી ગલીવાળી અને મહિલાની અવરજવર સૌથી વધુ હોય એવી બજારોના એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ બેરીકેટ મૂકી ફક્ત રાહદારી અને ટુ વ્હીલરને પ્રવેશ અપાય છે. જ્યારે તાલુકા મથકે પ્રવેશબંધી નથી કરાતી. પણ ઘરાકીના સમયે પોલીસ ફૂટ પેટ્રોલીંગ કરે છે.

વેરાવળની બજારોમાં હાલના દિવસોમાં ખરીદી ઉપરાંત ધનતેરસથી બેસતાવર્ષના દિવસ સુધી ટ્રાફિક સમસ્યા ન ઉદભવે એ માટે પોલીસે વ્યવસ્થા ગોઠવી છે. આ અંગે ટ્રાફિક પીઆઈ દિનેશ ગોહેલે જણાવ્યું હતું કે, બજારના મુખ્ય વિસ્તાર લાયબ્રેરીથી સટ્ટા બજારને જોડતો મુખ્ય રોડ, સુભાષ રોડ, ચાર ચોક હાલના દિવસોમાં બેરીકેટથી વાહનો માટે બંધ કરી દેવાય છે. અહીં સાંજે 4 વાગ્યા પછી તો થ્રીવ્હીલ, ફોર વ્હીલ અને ભારે વાહનો માટે પ્રવેશબંધી છે. જ્યારે ધનતેરસના દિવસે સવારે અને દિવાળીના દિવસે રાત્રે ટુ વ્હીલથી માંડી થ્રી વ્હીલ અને ફોર વ્હીલ સહિત એકપણ પ્રકારના વાહનને પ્રવેશ નહીં મળે.

ઊનામાં દિવાળીની રાત્રે ત્રિકોણબાગથી રોડ ડાયવર્ટ
ઊનામાં ભીડ વાળા વિસ્તારોમાં ટ્રાફીક સાવ બંધ તો નથી કરાતો. પણ ફૂટ પેટ્રોલીંગ કરી મેઇન બજારમાં રીક્ષા-રેંકડીને કાઢવામાં આવે છે. દિવાળીની રાત્રે ટ્રાફિકને ત્રિકોણબાગથી અંદર વાળવામાં આવશે એમ ઊનાના ટ્રાફિક ઇન્ચાર્જ હેડ કોન્સટેબલ ધીરેન્દ્રસીંહ સીંધવનું કહેવું છે.

કોડીનારમાં ભારે વાહનો માટે પ્રવેશબંધી
કોડીનાર: દીવાળીના તહેવાર દરમિયાન કોડીનારમાં મોટા શહેરોની જેમ નો એન્ટ્રી કે વનવે જેવી વ્યવસ્થા નથી કરાઇ. પણ ફૂટ પેટ્રોલીંગ રાખવામાં આવ્યું છે. અને ભારે વાહનોને ગામમાં પ્રવેશવાની મનાઈ છે. તમામ ભારે વાહનોએ બાયપાસ પરથી ચાલવાનું રહેશે. એમ ટ્રાફિક શાખાના મનુભાઈએ જણાવ્યું હતું.

કેશોદમાં વન વે કે બેરીકેટ નહીં રખાય
કેશોદ: કેશોદમાં પોલીસે શનિવારથી દિવસે અને રાત્રે પેટ્રોલીંગ શરૂ કર્યું છે. અહીં રસ્તા વનવે કરવા કે બેરીકેટ રાખવાની જરૂર નથી. પણ ફૂટ પેટ્રોલીંગ કરાશે. આ માટે ટ્રાફીકના એઅસઆઇ હાજાભાઇ રાઠોડની આગેવાનીમાં ટ્રાફિકના ડ્રાઇવર સહિત 5 કર્મચારીઓ, અને બીટના 4-4 પોલીસનેેા જવાનો ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...