તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોધમાર વરસાદ:વેરાવળ પંથકમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો, ડારી ગામમાં નદી વહેતી હોય એવાં દૃશ્યો

વેરાવળ19 દિવસ પહેલા
શહેરમાં ઠેર ઠેર ગોઠણડૂબ પાણી ભરાઈ ગયાં.
  • જોડિયા શહેરમાં ઠેરઠેર બજારો, માર્ગો અને શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયાં
  • મેઘરાજાએ પાલિકાની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખોલી

વેરાવળ-સોમનાથ શહેર અને પંથકમાં આજે વહેલી સવારથી ભારે વરસાદ વરસતાં ઠેરઠેર પાણી ભરાયાં હતાં. આજે સવારે 2 કલાકમાં 4.5 ઈંચ વરસાદ વરસી જતાં લોકોએ એનો લહાવો લીધો હતો. તો શહેરની અમુક બજારો અને કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાઈને દુકાનોમાં ઘૂસી જતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, જ્યારે અનેક માર્ગે પર ગોઠણડૂબ પાણી ભરાતાં રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વેરાવળ નજીકના ડારી ગામમાં ભારે વરસાદ પડતાં ગામમાં નદી નીકળતી જોવા મળી હતી, જ્યારે દેવકા નદીમાં પહેલા વરસાદે જ પૂર જેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

સવારે 2 કલાકમાં ચાર ઇંચ વરસાદ.
સવારે 2 કલાકમાં ચાર ઇંચ વરસાદ.

આજે સતત બીજા દિવસે વેરાવળ- સોમનાથ શહેર અને પંથકમાં મેઘરાજા મહેરબાન બની ધોધમાર અનરાધાર હેત વરસાવતા સવારે 2 કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. શહેર અને પંથકમાં વહેલી સવારથી અવિરત મેઘસવારીને પગલે સર્વત્ર વરસાદી માહોલ સાથે ઠંડકનો માહોલ છવાયો છે. વેરાવળ-સોમનાથમાં આજે વહેલી સવારે 6થી 8 વાગ્યા સુધીમાં અડઘો ઇંચ, ત્યાર બાદ 8થી 10 વાગ્યાના બે કલાકમાં અનરાધાર ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો, જેને પગલે શહેરના મુખ્ય સહિતના અનેક માર્ગો પર ગટરો ઊભરાઈ જતાં વરસાદી સાથે ગટરના ગંદા પાણી વહેતા થતાં રાહદારીઓ પરેશાનીમાં મુકાયા હતા.

ડારી ગામમાં નદી વહેતી હોય એવાં દૃશ્યો.
ડારી ગામમાં નદી વહેતી હોય એવાં દૃશ્યો.

જોડિયા શહેરમાં ઠેર ઠેર ગોઠણડૂબ પાણી ભરાયાં
આજે સવારે ધોધમાર વરસેલા 4.5 ઇંચ વરસાદને પગલે જોડિયા શહેરમાં ઠેર ઠેર ગોઠણડૂબ પાણી ભરાઈ ગયાં હતાં. સોમનાથના સાંનિધ્યમાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્સમાં ગોઠણડૂબ પાણી ભરાતાં અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયાં હતાં, જેને પગલે દુકાનદારો માલ બચાવવા ચાલુ વરસાદે ધંધે લાગ્યા હતા. જ્યારે વેરાવળના સટાબજાર, સુભાષ રોડ, તપેશ્વર મંદિર રોડ, લોહાણા હોસ્પિટલ રોડ, એસટી રોડ, પાલિકા કચેરી આસપાસ, સોમનાથ ટોકીઝ વિસ્તાર સહિત અને વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં, જેના પગલે લોકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

શહેરના અનેક માર્ગો પર પાણી ભરાયાં.
શહેરના અનેક માર્ગો પર પાણી ભરાયાં.

પાલિકાની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખૂલી
લાંબા વિરામ બાદ બે દિવસથી આવી રહેલા અવિરત ધોધમાર વરસાદે પાલિકાએ કાગળ પર કરેલી પ્રીમોન્સૂન કામગીરીની મેઘરાજાએ પોલ ખોલી નાખી હોય એવાં દૃશ્યો શહેરમાં ઠેર ઠેર જોવા મળ્યાં હતાં, જેથી લોકોમાં પાલિકાતંત્ર સામે રોષ પ્રવર્તેલો હતો. તો બીજી તરફ આજે સવારે વરસેલા ધોધમાર વરસાદનો લહાવો લેવા બાળકો શેરીઓમાં, જ્યારે લોકો અગાસી પર પહોંચી જઈ વરસાદનો લહોવો લેતા જોવા મળતાં હતાં. આજે પડેલા અનરાધાર વરસાદને પગલે શહેર અને પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...