સુત્રાપાડાની ઘટના:સોળાજમાં દીપડાએ 7 વર્ષની બાળકીની ગરદન પકડી, સાથે રહેલા બાળકોએ બૂમો પાડી લોકોને ભેગા કર્યા, પથ્થરો મારી દીપડાને ભગાડ્યો

સુત્રાપાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીપડાને પકડવા વન વિભાગે પાંજરાં ગોઠવ્યાં, ઇન્સેન્ટમાં ઇજાગ્રસ્ત બાળકી. - Divya Bhaskar
દીપડાને પકડવા વન વિભાગે પાંજરાં ગોઠવ્યાં, ઇન્સેન્ટમાં ઇજાગ્રસ્ત બાળકી.
  • સમી સાંજે બાળકી અન્‍ય બાળકો સાથે વાડીએથી ઘરે જઈ રહી હતી ત્યારે દીપડાએ હુમલો કર્યો
  • દીપડાએ બાળકીને ગરદનથી પકડતાં અન્ય બાળકોએ બૂમાબૂમ કરી ગ્રામજનોને ભેગા કર્યા

ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે ગત રાત્રિના વાડીએથી ઘરે આવે રહેલી સાત વર્ષીય બાળકી પર પાછળથી ખૂનખાર દીપડાએ હુમલો કરી ગરદનથી પકડી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હુમલા સમયે હાજર આજુબાજુની વાડીના લોકોએ દોડી આવી પથ્‍થરમારો કરી દીપડાને ભગાડી બાળકીને બચાવી સારવાર અર્થે હોસ્પિટલે ખસેડી હતી. બાળકીને ગંભીર ઇજા પહોંચી હોવાથી 21 ટાંકા લેવામાં આવ્યા હતા. ખૂનખાર દીપડાને કેદ કરવા વન વિભાગે એ વિસ્‍તારમાં ત્રણ પાંજરાં ગોઠવી ધામા નાખ્‍યા છે.

બાળકોએ દીપડો આવ્‍યાની બૂમો પાડી
પ્રાપ્‍ત વિગતો અનુસાર, જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સોળાજ ગામે રહેતા દિનેશભાઇ વાળાની દીકરી ક્રિષ્‍ના અન્‍ય બાળકો સાથે ગઇકાલે સાંજે સાતેક વાગ્‍યાની આસપાસ વાડીએથી ઘર તરફ પરત આવી રહી હતી. રસ્‍તામાં અંધારાની વચ્‍ચેથી અચાનક ખૂનખાર દીપડાએ પાછળથી ક્રિષ્‍ના પર હુમલો કરી તેને ગરદનથી પકડી ઢસડી લઇ જઇ રહ્યો હતો. એ સમયે તેની સાથે રહેલાં અન્‍ય બાળકોએ દીપડો આવ્‍યો દીપડો આવ્‍યાની બૂમો પાડી હતી.

50 ફૂટ દૂર ઇજાગ્રસ્‍ત હાલતમાં બાળકી કણસતી મળી
બાળકોની બૂમો સાંભળી આજુબાજુની વાડીમાંથી ગ્રામજનો દોડી આવ્યા હતા અને પથ્‍થરમારો કરતાં દીપડો બાળકીને મૂકી અંઘારામાં નાસી છૂટ્યો હતો. ત્‍યાર બાદ ગ્રામજનોએ તપાસ કરતાં 50 ફૂટ દૂર ઇજાગ્રસ્‍ત હાલતમાં બાળકી કણસતી મળી આવતાં તેને તરત હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ કરતાં તાત્‍કાલીક વન અઘિકારીઓ સ્‍ટાફ સાથે દોડી ગયા હતા.

21 ટાંકા લેવામાં આવ્યા
આ અંગે આર.એફ.ઓ. એચ.ડી. ગળચરે જણાવ્યું હતું કે સોળાજની ઇજાગ્રસ્‍ત બાળકીને કોડીનાર હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બાળકીને ગળાની ફરતે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી 21 ટાંકા લેવામાં આવ્યા હતા અને હાલ તે ખતરાની બહાર છે. બાળકી પાસેથી હુમલાની સમગ્ર વિગતો જાણી સોળાજ ગામના વાડી વિસ્‍તારમાં વન વિભાગની વેરાવળ, માળિયા, સાસણના સ્‍ટાફની ત્રણ ટીમો જુદાં જુદાં સ્‍થળોએ ત્રણ પાંજરાં ગોઠવી ખૂનખાર દીપડાને કેદ કરવા કમર કસી કાર્યવાહી હાથ ધરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...