રાજકોટ:તાલાલામાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યો, નેતાઓ સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા, આતશબાજીના ઉન્માદમાં ફટાકડાથી સી.આર. પાટીલને આંખમાં ઇજા પહોંચી

રાજકોટએક વર્ષ પહેલા
સોશિયલ ડિસ્ટન્સનો અભાવ
  • પાટીલના આગમન પહેલા શ્રી કૃષ્ણ સંગઠન ગ્રુપના પ્રમુખ સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા
  • રાજકોટમાં 300 કાર અને 500 બાઈક સાથે સ્વાગત કરાશે, પાટીલને આવકારવા ઠેર-ઠેર પોસ્ટરો લાગ્યા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આજથી ત્રણ દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે આવ્યા છે. ત્યારે તાલાલામાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સી.આર.પાટીલે સૌરાષ્ટ્રના પ્રવાસની શરૂઆત કરી છે. પરંતુ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનુ ભાન ભૂલ્યા હતા. ગીર સોમનાથમાં સ્વાગતમાં કાર્યકરોએ આતશબાજી કરતા ફટાકડાથી સી.આર. પાટીલને આંખમાં ઈજા પહોંચી હતી. આથી તેઓને તાત્કાલિક તબીબ પાસે લઈ જવામાં આવ્યા હતા.

રાજકોટ આવશે ત્યારે 300 કાર અને 500 બાઈક સાથે સ્વાગત
સી.આર.પાટીલ સૌરાષ્ટ્રમાં સંગઠનની નવરચના માટેની ચર્ચા કરશે. રાજકોટમાં પાટીલના આગમન પહેલા જ શ્રી કૃષ્ણ સંગઠન ગ્રુપના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા છે. સી.આર.પાટીલ રાજકોટ આવશે ત્યારે 300 કાર અને 500 બાઈક સાથે સ્વાગત કરવામાં આવશે. સી.આર.પાટીલના આગમનને લઈને સાસણથી સોમનાથ હાઈવે પર ભાજપના આગેવાનો અને સી.આર.પાટીલના બેનરો લગાવવામાં આવ્યાં છે. સી.આર.પાટીલે સોમનાથ મંદિરમાં શીશ ઝુકાવી મહાદેવના દર્શન કર્યાં હતા અને પૂજા અર્ચના કરી હતી.

સોમનાથ મંદિરમાં પૂજા
સોમનાથ મંદિરમાં પૂજા

મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા
રાજકોટમાં સી.આર.પાટીલના આગમન પહેલા જિલ્લા ભાજપનું સંગઠન મજબૂત બન્યું છે. જિલ્લાના શ્રી કૃષ્ણ સંગઠન ગ્રુપના પ્રમુખ અર્જુનભાઇ ડવ સહિત મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા છે. આહીર સમાજના યુવાનોનુ મોટું સંગઠન છે. જે જિલ્લા ભાજપમાં જોડાયું છે. જિલ્લા ભાજપ પ્રમુખે ખેસ પહેરાવી તમામનું સ્વાગત કર્યું હતું.

ખેસ પહેરાવી તમામનું સ્વાગત કરાયું
ખેસ પહેરાવી તમામનું સ્વાગત કરાયું

લગ્નમાં માત્ર 50 લોકોને મંજૂરીને પાટીલને આવકારવા કાલે રેલી
પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રથમ વખત રાજકોટ શહેરના પ્રવાસે આવી રહ્યા છે. 20 ઓગસ્ટે ગોંડલ ચોકડી ખાતે સી.આર.પાટીલને આવકારવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. ડી.જે.ની ધૂમ સાથે સ્વાગત કરાશે અને ત્યાંથી રેલી સ્વરૂપે કાલાવડ રોડ પર ઓડિટોરિયમ ખાતે પહોંચશે. આ રેલીમાં 500થી વધુ સ્કૂટરચાલકો જોડાશે. તેની સાથે ડી.જે. બેન્ડની સૂરાવલી સાથે દેશભક્તિના ગીતો, પ્રાચીન રાસમંડળીની રમઝટ પણ થશે. બીજી તરફ કોઇ વ્યક્તિના પરિવારમાં લગ્ન પ્રસંગ હોય તો 50 વ્યક્તિ અને અંતિમયાત્રામાં માત્ર 20 લોકોને જ જોડાવવા મંજૂરી મળે છે. ત્યારે આ 500થી વધુ સ્કૂટર રેલી સહિતનું ટોળું એકત્ર કરવા પોલીસે મંજૂરી આપવી કે કેમ તે એક પ્રશ્ન છે.

તાલાલામાં સ્વાગત કરાયું
તાલાલામાં સ્વાગત કરાયું

(જીતેન્દ્ર માંડવિયા-તાલાલા)