સોમનાથના ત્રિવેણી સંગમમાં સોમનાથ ટ્રસ્ટની રજૂઆતને પગલે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી અસ્થિ વિસર્જન, પીંડદાન, નાળિયેર, પૂજન સામગ્રી પધરાવવાની મનાઇ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. જેની અમલવારી માટે સોમનાથ ટ્રસ્ટની સિક્યોરિટી અને તીર્થ પુરોહિતો વચ્ચે આજે ઉગ્ર બોલાચાલી થતાં તીર્થ પુરોહિતઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આંદોલનની ચિમકી આપી છે.
સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમમાં સોમનાથ ટ્રસ્ટની રજૂઆતને પગલે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે પૂજા સામગ્રી, અસ્થિત, કપડાં, નાળિયેર, ફૂલો, માટીના વાસણો સહિતની વસ્તુ નાંખવાની મનાઇ ફરમાવતું જાહેરનામુ બહાર પાડ્યું છે. આજે સવારે સોમનાથ ટ્રસ્ટની સિક્યોરિટી ત્રિવેણી સંગમ પહોંચી હતી.
અને તીર્થ પુરોહિતોને અસ્થિ વિસર્જન અને પીંડદાન કરતા અટકાવતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આથી બ્રહ્મસમાજના આગેવાનો અને તીર્થ પુરોહિતોના પ્રમુખ દુષ્યંતભાઇ ભટ્ટની આગેવાની હેઠળ તીર્થ પુરોહિતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. રજૂઆતમાં જણાવાયું હતું કે, ત્રિવેણી સંગમમાં પૌરાણિક કાળથી ભગવાન કૃષ્ણએ પોતાના હસ્તે પાંડવોનું પીંડદાન કરી અસ્થિ વિસર્જન કરવા પ્રભાસપાટણ આવ્યા હતા.
આ ઉપરાંત મોરારજી દેસાઇ, અટલ બિહારી વાજપેયી, ખુદ સોમનાથ ટ્રસ્ટના પૂર્વ ચેરમેન કેશુભાઇ પટેલના અસ્થિનું પણ ત્રિવેણી સંગમમાંજ વિસર્જન કરાયું છે. આ બાબતે કલેક્ટરે યોગ્ય વિચારણા કરવાની ખાત્રી આપી છે. જો આ બાબતે તાકીદે નિર્ણય નહીં લેવાય તો તીર્થ પુરહિતો દ્વારા ઉપવાસ આંદોલનની ચિમકી અપાઇ છે.
ગ્રીન ટ્રિબ્યુનલનો પત્ર હતો : સોમનાથ ટ્રસ્ટ
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે એક પત્રથી જણાવ્યું હતું કે, પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટની નદીનું જળ ખુબ જ પ્રદુષિત છે. આથી નદીનું જળ વધુ પ્રદુષિત ન થાય તે અટકાવવા માટે પગલા લેવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે સુચના આપી છે. આથી નદી પ્રદુષિત થતી અટકાવવા ટ્રસ્ટે કલેકટરને વિનંતી કરી હતી. > વિજયસિંહ ચાવડા, સોમનાથ ટ્રસ્ટ
અસ્થિનું પાણીમાં કુદરતી વિસર્જન થાય છે
આવેદનપત્રમાં દલીલ કરાઇ છેકે, માનવીના હાડકામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે. જેનું પાણી સાથે કુદરતી રીતે રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન થાય છે. જે જળચરોનો પૌષ્ટિક આહાર બને છે. હાડકામાંનું સલ્ફર જળાશયના પાણીનું શુદ્ધિકરણ કરે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.