તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યાયની આશા:ગીર સોમનાથના વાવડી ગામના ખેડૂતની જમીન બારોબાર વેંચી નાખવાનો મામલો, 18 વર્ષે 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂત અરસીભાઇ ન્‍યાય માટે સાયકલમાં સવાર થઇ ગાંઘીનગર ગયેલ ત્‍યારની તસ્‍વીર - Divya Bhaskar
ખેડૂત અરસીભાઇ ન્‍યાય માટે સાયકલમાં સવાર થઇ ગાંઘીનગર ગયેલ ત્‍યારની તસ્‍વીર
  • ન્યાય માટે 65 વર્ષીય ખેડૂત 18 વર્ષથી કચેરીઓના કાપી રહ્યા છે ચક્કર
  • ગત વર્ષે સાયકલ લઈ ગાંધીનગર મુખ્‍યમંત્રી સમક્ષ રજૂઆત માટે પહોંચ્યા હતા

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના 65 વર્ષીય ખેડૂતની જમીન બારોબાર વેચી નાખવાના મામલે અંતે 18 વર્ષે ખેડૂતને ન્યાયની આશા જીવંત બની છે. ખેડૂતની વેરાવળ તાલુકાના કુકળાશ ગામે આવેલ જમીન પૂર્વ તલાટી મંત્રી, સરપંચના પતિ સહિતનાએ નકલી સહીનું કૌભાંડ આચરી જમીન અંબુજા સિમેન્ટ કંપનીને બારોબાર વેચી દીધી હોવાનો આરોપ છે. 18 વર્ષ જૂના આ મામલે ખેડૂતની અનેકસ્તરે રજૂઆત બાદ પોલીસે 5 શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

આ મામલે પોલીસમાં નોંઘાયેલ ફરીયાદ મુજબ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામે રહેતા અરસીભાઇ હમીરભાઈ રામની વેરાવળ તાલુકાના કુકરાશ ગામે સંયુકત માલિકીની સર્વે નં.68 પૈકીની જમીન આવેલી હતી. જેમાં તેમનું અને તેમના પત્‍ની દેવીબેન અને ભત્રીજાનું હકક ઉઠાવવા માટેનું ખોટુ કબુલાતનામુ કરી તે કબુલાતનામામાં 135 (ડી)ની નોટીસમાં તેઓ કુકરશ ગામે રહેતા ન હોવા છતા મોકલી હતી. જેમાં તેઓની ખોટી સહીનું અંગુઠાનું નિશાન કરાવી તથા તેમની પત્નીને સહી કરતા આવડતુ હોવા છતા અંગુઠાનું નિશાન કરી દીઘેલ તેમજ સાક્ષીઓની હાજરીમાં ખોટી રીતે બજવણી કરાવી હતી. આ ખોટી નોટીસની બજવણીની આધારે તેમનો હકક કમી કરાવી અરસીભાઇના ભાગની જમીન અંબુજા કંપનીને વેચાણ કરી દીધી હતી.

ફરીયાદ નોંઘાવવા પોલીસ સ્‍ટેશનએ પહોચેલ ખેડૂત
ફરીયાદ નોંઘાવવા પોલીસ સ્‍ટેશનએ પહોચેલ ખેડૂત

આ અંગે ફરિયાદ થતા પોલીસ તપાસમા અંગુઠાનુ નિશાન કબુલાતનામામા તેમજ 135 (ડી)ની નોટીસમાં નથી તેવુ ખરાઈ થતા આ ખોટા દસ્તાવેજ ઉભા કરનાર ડાયાભાઇ ઉર્ફે કાળાભાઇ હમીરભાઇ રામ ઉર્ફે સોલંકી રહે.કુકરાશ તથા કબુલાતનામામાં સહી કરનાર રામસી જેઠા, નારણ હીરા તથા મંગા જેઠા રહે.કુકરાશ અને તે સમયના તલાટી મંત્રી અનિલકુમાર ચુનીલાલ હાલ નોગા તા.ચીખલી જી.વલસાડએ મળી અરસીભાઈના હકક ઉઠાવી માલીકિની જમીન અંબુજા કંપનીને વેચાણ કરી ગુનો આચરેલ હતો. જેથી ઉપરોકત વિગતોના આઘારે ખોટા દસ્તાવેજ બનાવી જમીનનું વેંચાણ કરેલ હોય અને તેમાં મદદ કરનાર અન્ય આરોપીઓ વિરૂધ્ધ અરસીભાઇ રામની ફરીયાદના આઘારે પોલીસે આઇપીસી કલમ 467, 468, 471, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીઆઇ એન.એમ.આહીરએ હાથ ધરી છે.

ખેડૂત સાયકલ લઈને ગાંધીનગર પહોંચ્યા હતા

આજથી એક વર્ષ પહેલાં અરસીભાઇ રામ પોતાના વતન સૂત્રાપાડાના વાવડી ગામેથી સાયકલ લઈને નીકળી એકાદ મહિના જેવી સાયકલયાત્રા કરી ગાંધીનગર પહોંચ્યા હતા. જયાં તેઓ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી ન્યાય માંગેલ હતો જેના પ્રત્યુતરમાં તટસ્‍થ તપાસ અને કાર્યવાહી કરવાનું આશ્વસન પણ આપ્યું હતું. જો કે, આ વાતને પણ લાંબો સમય વિતી ગયા બાદ કોઇ કાર્યવાહી થઇ ન હતી.

ખેડૂત ન્‍યાયની માંગ સાથે જીલ્‍લા કલેકટર કચેરી બહાર ઉપવાસ પર બેસી ગયેલ ત્‍યારની તસ્‍વીર
ખેડૂત ન્‍યાયની માંગ સાથે જીલ્‍લા કલેકટર કચેરી બહાર ઉપવાસ પર બેસી ગયેલ ત્‍યારની તસ્‍વીર

ગાંધીનગરથી ન્યાય ના મળતા દિલ્લી જવાનો નિર્ણય કર્યો હતો

અરસીભાઇ રામે પોતાના ગામ વાવડીથી સાયકલ લઈને દેશની રાજઘાની દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવા જવા માટે સાયલક પર નીકળયા હતા ત્‍યારે જીલ્‍લાના જ તાલાલાના ગુંદરણ ગામ પાસેથી તંત્રએ તેમની અટકાયત કરી લીઘી હતી. વડાપ્રધાનને રજૂઆત કરવાનો વિચાર પુરો ન થતા છએક માસ પૂર્વે તા.1 જાન્યુઆરી 2021 ના રોજ અરસીભાઇ રામ ગીર સોમનાથ જિલ્લા સેવા સદન કચેરી ખાતે ઉપવાસ પર બેસી ગયા હતા. ત્‍યારે તેમની ફરી અટકાયત કરી લેવામાં આવી હતી. આમ, વારંવાર અટકાયત છતાં વૃઘ્‍ઘ ખેડૂત અરસીભાઇ રામે પોતાની સંઘર્ષમય લડાઈ ચાલુ રાખી હતી.

તંત્ર પાસે ન્યાયની આશા : અરસીભાઇ

આ અંગે ખેડૂત અરસીભાઇ રામે જણાવેલ કે, વેરાવળના કુકરાશ ગામે જમીન સર્વે નંબર 68 પૈકી 1 જેના ખાતા નંબર 120 વાળી જમીન અમારી જાણ બહાર જ અંબુજા સિમેન્ટ કંપનીને વેંચી નાખી હતી. તેમજ જમીનના રૂપિયા પણ તલાટી મંત્રી અનિલકુમારએ પચાવી પાડયા હતા. અમે વેરાવળ કચેરીમાં તપાસ કરાવતા ખોટી સહી હોવાનું સામે આવ્યું હતું. આ મુદે અમને ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા મળે તેવી તંત્ર પાસે આશા છે.

ન્‍યાય માટે ઝંખી રહેલ વૃઘ્‍ઘ ખેડૂત અરસીભાઇ
ન્‍યાય માટે ઝંખી રહેલ વૃઘ્‍ઘ ખેડૂત અરસીભાઇ

આ મામલે 18 વર્ષ બાદ પોલીસે ફરીયાદ નોંધી છે. જો કે, ફરીયાદ નોંધાયા બાદ પણ આરોપ થઈ રહ્યા છે કે, આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કારણ કે, ફરીયાદ નોંધાયા બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી હજુ દૂર છે. આ મામલે હવે પોલીસ આરોપીઓને પકડી શકશે કે કેમ ? તેવા સવાલો ઉઠી રહયા છે. જેનો જવાબ પોલીસની કાર્યવાહી પરથી જ મળશે.

અન્ય સમાચારો પણ છે...