સચોટ તરકીબ:એકથી વધુ બેલેટમાં ચાંદલા, ચલણી નોટ, સ્ટેપલર પીન, ટાંચણી, યુપીન નીકળે એ મત ખરીદાયેલા

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મતદારોને રૂપિયા આપી દીધા બાદ ટ્રેસ કરવા પણ અવનવી તરકીબો હોય

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થઇ ગયા. પણ કતલની રાતે જે ખેલ પડતા હોય એ જોવા જેવા હોય છે. જો બેલેટ પેપરમાંથી વિવિધ પ્રકારની ચીજવસ્તુ નીકળે એ મત ચોક્કસપણે ખરીદાયેલો જ હોય. વળી આનાથી મતદારની ઓળખ સાબિત ન થતી હોવાથી એ મત કેન્સલ પણ નથી કરી શકાતો. ચૂંટણીની વ્યવસ્થા અને રાજકારણ સાથે જોડાયેલા લોકોના કહેવા મુજબ, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોઇને રૂપિયા કે બીજી લાલચ આપીને ચોક્કસ સંખ્યાના મતો ખરીદવામાં આવ્યા હોય તો ઉમેદવાર એ મત પડ્યા કે નહીં એને ટ્રેસ કરવાની સચોટ તરકીબ અપનાવતા હોય છે.

જેમાં ખરીદાયેલા મતદારે બેલેટ પેપરમાં ચોક્કસ કલરનો ચાંદલો, ટાંચણી, 5 કે 10 રૂપિયાની ચલણી નોટ, સ્ટેપલર પીન, યુ પીન, વીવિધ કલરના રબ્બર બેન્ડ, મૂકી દેવાના હોય છે. મત કુટીરમાં મત આપતી વખતે બેલેટમાં આ વસ્તુ આસાનીથી મૂકી શકાય છે. વળી ગડી વાળેલું બેલેટ પોલીંગ સ્ટાફ ખોલી નથી શકતો. ફક્ત મતગણતરી વખતે ઉમેદવારનો એજન્ટ બેઠો હોય એને ખબર હોય કે, કઇ વસ્તુવાળા કેટલા બેલેટ પેપર નિકળવા જોઇએ. પૈસા લઇને મત ન આપ્યો હોય તો આ પદ્ધતિથી એ ટ્રેસ પણ થઇ જાય છે. વળી આવી વસ્તુ થકી મતદારની ઓળખ નથી થતી. ક્યારેક બેલેટ પેપરમાં નાનકડો લીટો કરી દેવાથી પણ એ ટ્રેસ થઇ જાય.

વળી લીટો એ મતદારની ઓળખ નથી હોતી. આથી એ મતને કેન્સલ પણ કરી શકાતો નથી. મતદારોની આ પ્રકારની ખરીદી ઘણુંખરું ગામમાં ઇતર જ્ઞાતિના એકાદ બે મોટા પરિવાર હોય અને વધીને 25-30 મત હોય એટલા પૂરતી થાય છે. કારણકે, ગામડાની ચૂંટણીમાં હારજીત પણ એટલાજ મતથી થતી હોય છે. બે બળિયા ઉમેદવારો હોય અને કોઇ મોટા પરીવારને ધમકી આપી હોય તો સામેનો ઉમેદવાર તેને પૈસા આપી બહારગામ ફરવા પણ મોકલી આપે. ટૂંકમાં, બેલેટથી ચૂંટણી થઇ હોય તોજ આ બધું શક્ય છે. જો ઇવીએમ હોય તો મત ખરીદ્યા પછી મળ્યો કે નહીં, એ ટ્રેસ ન થઇ શકે.

રાજકીય પક્ષો પેનલ બનાવડાવે
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકીય પક્ષ નથી લડી શકતા. પણ 20 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામોમાં રાજકીય પક્ષોના સમર્થકો ચોક્કસ નિશાન સાથેની પેનલ બનાવીને ચૂંટણી લડે છે. ક્યારેક એવું પણ બને કે, સરપંચ એક પેનલનો હોય અને સભ્યો બધા બીજી પેનલના ચૂંટાય. ત્યારે સભ્યો સરપંચ સાથે જોડાઇ જાય. એમાં ઉપસરપંચ તેઓનો બને એવી વ્યવસ્થા પણ ગોઠવાઇ જાય. તો વળી ક્યારેક સભ્યો ભેગા મળીને સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પણ લાવતા હોય છે. જો સરપંચનો ઉમેદવાર પોતાને અનુકૂળ હોય તો રાજકીય પક્ષો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ધારાસભાની ચૂંટણીમાં તેનો ટેકો મેળવવા તેને સમર્થન આપતા
પણ હોય છે.

આ ગ્રામ પંચાયતોની ચૂંટણી હોય મોંઘી
જે ગામની હદમાંથી ખનીજ મળતું હોય, ગામમાં કોઇ મોટી કંપનીનો પ્લાન્ટ હોય કે નવો પ્લાન્ટ આવવાનો હોય એવા ગામના સરપંચની ચૂંટણીમાં સૌથી વધુ ખર્ચ થતો હોય છે. કારણકે, પછી 5 વર્ષ સુધી બેઠી આવક મળે. જોકે, ચૂંટણી નજીક હોય ત્યારે વાડીઓમાં પાર્ટી તો લગભગ દરેક ગામમાં થતી જ હોય છે.

અન્ય સમાચારો પણ છે...