વ્યવસાયમાં સતત નુકસાની:વેરાવળ બંદરે બોટના થપ્પા, આગામી 1 જૂનથી સીઝન બંધ

વેરાવળ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માછીમારી વ્યવસાય 2 વર્ષમાં તળિયા ઝાટક, આ વર્ષે 40 ટકા બોટે જ દરિયો ખેડ્યો

ગિર-સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ રાજ્યનું સૌથી મોટું માછીમારી બંદર છે. છેલ્લી 2 સિઝનથી માછીમારી વ્યવસાય સતત નુકસાનીનો સામનો કરી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં 8,941 નાની-મોટી બોટ છે. એમ વેરાવળમાં 4500 બોટો છે. વેરાવળ દર વર્ષે કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાવી આપતું બંદર છે. હાલ 1 જૂનથી દરિયામાં માછીમારી પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે વેરાવળમાં માછીમારી વ્યવસાયને છેલ્લા 2 વર્ષથી જાણેકે, ગ્રહણ લાગ્યું છે.

ગત વર્ષે 2019-2020 ના વર્ષમાં 3 વાવાઝોડાનો સામનો કરીને બેઠેલા માછીમારો હજુ સુધી વાયુ, મહા અને ક્યાર વાવાઝોડાનો કહેર ભૂલી નથી શક્યા. ત્યારે આ વર્ષની શરૂઆતમાંજ 2 વાવાઝોડા અને મધ્યભાગમાં તાઉ તે વાવાઝોડાને લીધે માછીમારીના વ્યવસાયને મોટો ફટકો પડ્યો છે. આ વર્ષે શરૂઆતમાં માછીમારોએ હિંમત કરીને ઉછીના કરી પરિવારના દાગીના ગીરવે મૂકીને ફરીથી બોટને દરિયામાં મોકલી. પરંતુ કોરોનાની મહામારી અને લોકડાઉનને કારણે એ બોટોને થોડા જ દિવસમાં પાછી બોલાવવી પડી. ત્યારે પરપ્રાંતિય ખલાસી અને મજૂરોને આપેલા પૈસા અને તેમના વતન પહોંચાડવાની જવાબદારી પૂરી કરી હતી.

નવી સીઝનમાં બોટ માલિકોએ બોટ દરિયામાં ઉતારવા ઉછીના-ઉધાર તેમજ પરિવારના દાગીના ગિરવે મૂકીને 2020-21 ની માછીમારી સીઝન શરૂ કરી હતી. પણ કોરોનાની વૈશ્વિક મહામારી તેમજ ભારત અને ચીનના સબંધો બગડતાં ત્યાં જતો માલ અટકી ગયો હતો. અને માછીમારોને જે 10 દિવસમાં પેમેન્ટ મળતું હતું એ છેક દોઢ મહિને મળતાં બોટ માલિકને આર્થિક નુકસાની વેઠવી પડી હતી. આ વર્ષે માત્ર 40 ટકા બોટજ દરિયો ખેડવા ગઇ હતી. વર્ષ દરમિયાન 60 ટકા બોટ કિનારેજ લાંગરેલી રહી હતી. આથી વેરાવળ બંદર ઉપર બોટનો ધસારો જોવા મળતો હતો.

વેરાવળ ના માછીમાર ભરત આગિયાના જણાવ્યાનુસાર, એક બોટ દરિયો ખેડવા જાય ત્યારે સાડા ચાર લાખ રૂપિયા જેટલો ખર્ચ આવે છે. કારણકે, હાલ ડીઝલ 92 રૂપિયે લિટર છે. આ ઉપરાંત મોંઘવારીનો માર તેમજ પ્રરપ્રાંતિય ખલાસીઓ જે દર વર્ષે વેરાવળ બંદરે આવતા હતા એ પણ કોરોનાને લઈને નથી આવ્યા. આથી મોટાભાગના માલિકોએ બોટ દરિયામાં નથી મોકલી.

અન્ય સમાચારો પણ છે...