વેરાવળનાં માછીમારોની છેલ્લા 2 વર્ષથી સિઝન નબળી ગઇ છે અને ચાલુ વર્ષે 1 મહિનો પાછળ ધકેલાતા માછીમારોની હાલત કફોળી બનશે. એક મહિનો સિઝન મોડી શરૂઆતથી ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લાનાં માછીમારોને રૂપિયા 700 કરોડની નુકસાન થશે. વેરાવળ ખારવા સંયુક્ત માછીમાર બોટ એસોસિયેશન (સાગરપુત્ર ફાઉન્ડેશન)ની બેઠક મળી હતી.જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક માછીમારો હાજર રહ્યાં હતાં.
આ મિટીંગમાં ફિશીંગની સિઝન એક મહિનો મોડી શરૂ કરવાનાં નિર્ણય અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકારનાં આ નિર્ણય સામે માછીમારોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. મિટીંગ બાદ આગેવાનોને રૂબરૂ રજુઆત કરી હતી. હાલ માછીમારોની આર્થિક પરિસ્થિતિ નાજુક છે. છેલ્લી બે ફીશીંગની સિઝન સંપૂર્ણ નિષ્ફળ રહી છે. બે વર્ષમાં કોઇ પ્રકારની આવક થઇ નથી. માછીમારો પાસે આવકનાં અન્ય કોઇ સ્ત્રોત ન હોય બેરોજગાર બની ગયા છે. માછીમાર બોટ એસોસિયેશનનાં પ્રમુખ તુલસીભાઇ ગોહેલે કહ્યું હતું કે, માછીમારીની સિઝન એક મહિનો મોડી શરૂ થવાથી ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લામાં રૂપિયા 700 કરોડની નુકસાની થશે. આ પહેલા કોરોનાકાળમાં એક્ષપોર્ટનાં કારણે 900 કરોડની નુકસાન થઇ છે.
વર્ષ 2019-20માં વાવાઝોડા નડ્યાં
વર્ષ 2019-20માં ફિશીંગની શરૂઆતનાં ત્રણ મહિના સુધી વાયુ , ક્યાર , મહા વાવાઝોડાનાં કારણે માછીમારો ફિશીંગમાં જઈ શક્યાં ન હતાં. ફિશીંગ ની સિઝનની શરૂઆતના બે - ત્રણ માસ દરમિયાન પુરતા પ્રમાણમાં માછલી મળતી હોય છે, તેવામાં એક પછી એક વાવાઝોડાઓનાં કારણે માછીમારી થઇ ન હતી. વાવાઝોડમાં સમુદ્રમાં ગયેલા માછીમારોનો પરત બોલાતા નુકસાન થયું હતું. બાદ નવેમ્બરમાં સિઝન શરૂ થઇ અને બે મહિના સિઝનનાં બાકી હતી ત્યાં કોરોના આવી ગયો હતો.
વર્ષ 2020-21માં 50 ટકા ઓછા ભાવ મળ્યાં
વર્ષ 20-21ની સિઝન રાબેતા મુજબ હજુ શરૂ કરી હતી. કોરોના મહામારીના કારણે ફિશ એક્ષપોર્ટમાં પારાવાર મુશ્કેલીઓ ઉભી થતા માછલીનાં ભાવ 50 ટકા કરતા પણ ઓછા થઇ ગયા હતાં. મોટાભાગનાં માછીમારોએ બે થી ચાર માસમાં પોતાની બોટને કિનારે બાંધી રાખી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.