ભાસ્કર એક્સક્લૂઝિવ:સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની શિલ્પ કળાનું થ્રીડી સ્કેનીંગ કરવામાં આવશે, ભવિષ્યમાં આબેહૂબ આ પ્રકારના મંદિરનું નિર્માણ કરી શકાશે

વેરાવળએક મહિનો પહેલા
ફાઈલ તસ્વીર
  • પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ પાંચ કરોડનો પ્રોજેક્ટ એક વર્ષમાં પૂરો કરશે

સોમનાથ મહાદેવ મંદિરની ખ્યાતિ દેશવિદેશમાં ફેલાયેલી છે. સોમનાથ મહાદેવ મંદિરના દિગ્વિજય દ્વારથી લઈને આખા મંદિરનું બાંધકામ તેમજ તેમાં કરાયેલી શિલ્પ કારગરીનું થ્રીડી સ્કેનીંગ કરવામાં આવનાર છે. સોમનાથ ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપિયા 5 કરોડના ખર્ચે આ કામગીરી એક વર્ષમાં પૂર્ણ કરાશે.

સોમનાથ મહાદેવ મંદિરનું નામ કૈલાસ મહામેરૂ પ્રાસાદ પણ છે. જે પ્રભાશંકર સોમપુરા નામના દેશના પ્રસિદ્ધ શિલ્પીના માર્ગદર્શન હેઠળ 1949 થી 1951 દરમ્યાન બંધાયું છે. સોમનાથ મંદિરની કલાકૃતિ યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. તેની કલા કારીગરી બેનમૂન છે. આથી આ મંદિરના બાંધકામને આધુનિક મશીનો દ્વારા થ્રીડી સ્કેન કરી તેનો ડેટા સાચવી રાખવામાં આવશે. જેથી જો બીજી જગ્યાએ આવુંજ મંદિર બનાવવું હોય તો એ ડીજીટલ ડેટાનો ઉપયોગ કરી શકાય. આ રીતનું સ્કેનીંગ થયા બાદ મંદિરનો ખૂણેખૂણો કોમ્પ્યુટર સ્ક્રીન પર નિહાળી શકાશે. અને ભાવિ પેઢીઓ માટે તે બાંધકામનો અધિકૃત રેકર્ડ બની રહેશે.

ઇતિહાસકારોને સંશોધન માટે પણ તે ભવિષ્યમાં ઉપયોગી નિવડશે. કુદરતી આફત વખતે કે બીજા કોઇ કારણોસર મંદિરના કોઇ ભાગને નુકસાન થાય તો આ સચવાયેલી થ્રીડી રેકર્ડના આધારે આવું જ આબેહૂબ બાંધકામ ફરીથી બનાવી શકાશે. આ પ્રકારનો થ્રીડી પ્રોજેક્ટ ગુજરાતના યાત્રાધામોમાં પ્રથમ છે. ટૂંક સમયમાં ગાંધીનગરથી તજજ્ઞ અધિકારીઓની એક ટીમ આ માસના અંત સુધીમાં સોમનાથ આવનાર છે.