નિધન:ત્રણ યુદ્ધ લડનાર સોરઠના વીર ભગવાનસિંહ ચાવડાનું 86 વર્ષે નિધન, છાછરમાં દેહ છોડ્યો

કોડીનાર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1953 માં મહારાજા રણજીતસિંહ જામની હાકલ પડતાં સૈન્યમાં ભાઇ સાથે ભરતી થયા"તા

કોડીનારનું છાછર ગામ આજે રડી ઉઠ્યું હતું. કારણકે, ભારતીય લશ્કરમાં પોતાની ફરજ દરમ્યાન 3 યુદ્ધોમાં લડનાર ભગવાનસિંહ સંગ્રામસિંહ ચાવડા નામના વીર સૈનિકનું 86 વર્ષની વયે નિધન થયું.વર્ષ હતું 1953 નું. જામનગરના જામ રણજીતસિંહજીએ આપણી સૈન્યશક્તિ વધારવા 2 લાખ રાજપૂતોની ભરતી કરવા સુચવ્યું હતું.

એ વખતે ગુજરાતીઓ લશ્કરમાં બહુ ઓછા જતા. પણ જામ રણજીતસિંહજીની હાકલ પડતાં ભગવાનસિંહજી અને તેમના ભાઇ ભીંમસીંહ જામનગર સૈન્યની ભરતીમાં પહોંચ્યા. બંને ભાઇઓ કદાવર અને સાડા છ ફૂટની પડછંદ ઉંચાઇ ધરાવતા હતા. આથી તેઓ પસંદ થઇ ગયા. જેમાં ટ્રેનીંગ બાદ ભગવાનસિંહનું ગ્રેનેડીયર્સ રેજીમેન્ટમાં પોસ્ટીંગ થયું. પોતાની 26 વર્ષની લશ્કરી કારકિર્દીમાં તેમને 1962, 1965 અને 1971 ની લડાઇમાં પણ ફરજ સોંપાઇ હતી.

સેવાનિવૃત્તિ બાદ બિલેશ્વર ખાંડ ઉદ્યોગમાં સિક્યોરિટી જમાદાર તરીકે 13 વર્ષ કાર્યરત રહ્યા. આખા કોડીનાર પંથકના કારડિયા રાજપૂત સમાજમાં તેઓ ભગવાનબાપાના નામે ઓળખાતા. પહેલવાન જેવું પડછંદ શરીર અને તંદુરસ્તી તેમની કાયમી ઓળખ રહ્યા. તેમના પરિવારની 3 પેઢીએ લશ્કરની કારકિર્દી પસંદ કરી છે. ભગવાનસિંહ ચાવડા 1971 ની પાકિસ્તાન સાથેની લડાઇમાં અટારી બોર્ડર પર તૈનાત હતા. ત્યાં તેમને જોરદાર ઇલેક્ટ્રીક શોટ લાગતાં માંડ બચ્યા હતા. પોતાની 11 ગ્રેનેડીયર્સમાં તેઓ બોક્સર હતા.

અને ફાઇનલમાં પંજાબ રેજીમેન્ટને હરાવતાં તેમને નાયબ સુબેદાર અને બાદમાં સુબેદાર તરીકે પ્રમોશન મળ્યું હતું. માંડ 5 ચોપડી ભણેલા ભગવાનસિંહ ચાવડાનું 1972 માં રાષ્ટ્રપતિ વી. વી. ગીરીના હસ્તે સન્માન કરાયું હતું. પોતાની ફરજ દરમ્યાન 9 સ્થળે ફરજ બજાવી 7 મેડલો મેળવનાર ભગવાનસિંહ ચાવડા 1968 થી છાછર ગામે સ્થાયી થયા હતા. ત્યાં શીંગવડા નદીના કાંઠે તેમની 25 વીઘા જમીન આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...