કોડીનાર નગર પાલીકાના કર્મચારી ઉપર આજે હુમલો થયા બાદ તમામ કર્મચારીઓ વીજળીક હડતાલ પર ઉતરી ગયા હતા. અને જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી શહેરમાં સફાઇ, પાણી પુરવઠો, સ્ટ્રીટ લાઈટની કામગીરી બંધ કરી દીધી હતી. કોડીનાર નગરપાલિકામાં સેનેટરી ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ મસરીભાઈ ઝાલા સફાઈની કામગીરી ઉપર દેખરેખ રાખે છે. આજે ચેટીચંડ નીમીતે રઘુવીરનગર પાસે સુખરામ નગરમાં સફાઇ કામગીરી ચાલતી હતી. ત્યારે રફીક સુલેમાન સેલોત, બીજા બે શખસો અને એક મહિલાએ એકસંપ કરીને સેનેટરી ઈન્સપેક્ટર ઉપર હુમલો કર્યો હતો.
આ બનાવમાં તેમને હાથ-પગમાં ઈજા થઇ હતી. ચાલુ ફરજ ઉપર હુમલો થતાં કર્મચારીઓએ હડતાલ પાડી દીધી હતી. અને કોડીનાર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં એવી માંગણી કરાઇ હતી કે, જ્યાં સુધી આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી પેન ડાઉન, સફાઇ કામગીરી, પાણી વિતરણ, સ્ટ્રીટ લાઈટો, ઓફીસના કર્મચારીઓએ કામગીરી બંધ કરી દીધી હતી. આ આરોપીએ 2017 માં પણ સુધારણા કામગીરીના અધિકારી ઉપર હુમલો કર્યાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.