હત્યા:વાપી રેલવે યાર્ડમાં અગાઉ થયેલા હુમલાની અદાવતમાં યુવકની હત્યા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા વર્ષે માતાપિતા પોતાના પુત્રને નવો મોબાઈલ લઇ આપે એ પહેલા મોતને ભેટ્યો

વાપી રેલવે સ્ટેશન યાર્ડની ગોદીમાં ગુરૂવારે રાત્રિએ 28 વર્ષીય યુવકને અન્ય યુવકે અગાઉ થયેલા હુમલાની અદાવત રાખી લાકડાના ઉપરાછાપરી માથાના ભાગે ફટકા મારી હત્યા કરી હતી. મૃતક યુવક કેટરર્સમાં મજૂરી કામ કરતો હતો. ભંગાર વિણતાં માતા-પિતા પાસે નવો મોબાઈલ લેવાની વાત કરી સ્ટેશને તરફ લટાર મારવા નીકળ્યો ત્યારે હુમલો કરાયો હતો. રેલવે પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

વાપી રેલવે સ્ટેશન યાર્ડની ગોદીમાં ગુરુવારે રાત્રે મનોજ ઉર્ફે ટકલીયા નામના રખડતા ભટકતા યુવાને કેટરર્સમાં મજૂરી કામ કરતા મોહમ્મદ અબ્દુલ મોહંમદ અંજાર(શેખ) નામના યુવકના માથામાં લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હુમલા અંગે મૃતક યુવકના મિત્રોએ તેમના માતાપિતાને જાણ કરતા ઘટના દોડી આવ્યા હતા.

વાપી રેલવે પોલીસ જીઆરપીના પીએસઆઇ યોગેશ રાજપૂત સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો. પોલીસે 108ને બોલાવતા કર્મચારીઓએ યુવકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે મોહમ્મદ અબ્દુલને મોતને ઘાટ ઉતારી નાસતા ફરતા આરોપી એવા મનોજ ટકલીયાને નજીકના જંગલમાં સંતાયેલા હોય પકડી લીધો હતો.

વાપીના નુતન નગરમાં ઇચ્છુંભાઈની ચાલમાં રહેતા મૃતક મોહમ્મદ અબ્દુલ કેટરર્સમાં મજૂરી કરતો હતો. જયારે તેમના પિતા મોહંમદ અંજાર(શેખ) ભંગાર વિણવાનું કામ કરે છે. જેની પાસે મૃતકે નવા મોબાઇલની માંગણી કરી હતી.

પિતાએ નવા વર્ષના દિવસે નવો મોબાઈલ લઈ આપવાની ખાતરી આપતા તે ઘરેથી રેલવે સ્ટેશને જવાનું કહીને નીકળ્યો હતો. જ્યાં રેલવે યાર્ડની ગોદીમાં રખડતા રહેતા મનોજે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં તેના માથાના ભાગે લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...