કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે વિવિધ યોજના અંતર્ગત ગ્રાન્ટ આપે છે. જેમાં 15માં નાણાપંચનો પ્રથમ હપ્તો ચુકવાયા બાદ બીજો હપ્તો (ગ્રાન્ટ) ન આવતાં કરોડો વલસાડ જિલ્લાની 384 ગ્રામ પંચાયતોમાં કરોડો રૂપિયાના વિકાસના કામો અટક્યા છે. જિલ્લામાં છ તાલુકામાં રોડ,પાણી, ડ્રેનેજ સહિતના કામોને સીધી અસર પહોંચી રહી છે. કેટલાક ગામોમાં પ્રથમ હપ્તાના પણ હજુ કામો પૂર્ણ થઇ શક્યા નથી. 15માં નાણાપંચનો બીજો તબક્કો ચુકવવા સરપંચોમાં માગ ઉઠી રહી છે.
જિલ્લાના ગામોમાં 15માં નાણાપંચની 2021ના બંને હપ્તાની ગ્રાન્ટની ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે,પરંતુ વર્ષ 2021-22માં પ્રથમ હપ્તો ચુકવાયા બાદ બીજા હપ્તા માટે વિલંબ થઇ રહ્યો છે. સરપંચોના જણાવ્યાં મુજબ 15માં નાણાંપંચ અંતર્ગત ટાઇડ અને અનટાઇડ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવે છે, પરંતુ સંબંધિત વિભાગના અધિકારીઓ મંજુરી માટે એક-બીજાને ખો આપતાં કામોમાં વિલંબ થઇ રહ્યો છે. ગાંધીનગર કક્ષાથી સચિવોએ 15મા નાણાપંચના કામો અંગે સંકલનથી કામગીરી કરવા અંગેના સૂચનો કરવાની જરૂર હતી.
સંબંધિત વિભાગોએ મંજુરીની પ્રક્રિયા સમય મર્યાદામાં પૂર્ણ કરી નથી.જયારે એસો. રેટ ખુબ જ ઓછા છે, માર્કેટ વેલ્યુ વધુ છે. કામ પહેલા સરપંચે રોકાણ કરવું પડે છે. ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ ગરીબ હોવાથી મુશ્કેલી પડી રહી છે. પહેલા ત્રણ પાર્ટમાં પૈસાની ચુકવણી સરકાર દ્વારા કરાતી હતી. હવે ઝડપથી પેમેન્ટ મળતું નથી. આમ બીજો હપ્તો ન ચુકવાતાં ગ્રામ્ય વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસના કામો અટકી રહ્યાં છે. વાપી,ઉમરગામ,પારડી સહિત વલસાડ જિલ્લામાં 15માં નાણાપંચના બીજા હપ્તાની ગ્રાન્ટની રાહ જોવાઇ રહી છે.
બીજો હપ્તામાં વિલંબ માટે આ કારણો જવાબદાર
સરકારી અધિકારીના જણાવ્યાં મુજબ આ વર્ષે શરૂઆ1તમાં કોરોના કાળ ચાલી રહ્યો હતો. આ સાથે સરકારી પોર્ટલમાં સતત ટેકનિકલ ખામીના કારણએ ઓનલાઇન કામગીરી થતી ન હતી. ડિઝિટલ સિગ્નચર વગર ગ્રાન્ટને મંજુરી ન મળતી હોવાથી આ પ્રક્રિયા કરવામાં આવી હતી. બાંધકામના મટીરીયર્લ્સના ભાવો વધતાં કોન્ટ્રાકટરો કામ કરતાં ન હતાં. બાંધકામ એન્જીનિયરો પાસે કામગીરીનું ભારણ વધુ રહે છે. મહેકમ ઓછુ હોવાથી પ્રક્રિયા ધીમી ચાલી રહી છે.
અગાઉ ચેક સિસ્ટમ હોવાથી ચાલતું હતું
ભુતકાળમાં ઇન્દિરા આવાસા કે અન્ય યોજના હેઠળની ગ્રાન્ટમાં ચેકથી પેમેન્ટ થતું હતું. એટલે કે ઓનલાઇન કે સરકારી પોર્ટલ પર કોઇ ઉલ્લેખ કરવામાં આવતો ન હતો, જેથી સરકારી અધિકારીઓ કે ઉચ્ચ કર્મચારીઓ તારીખમાં ફેરફાર કરી ગ્રાન્ટની ફાળવણીની પ્રક્રિયા કરી શકતા હતા, પરંતુ હવે તમામ પ્રક્રિયા સરકારી પોર્ટલ પર કરી દેવામાં આવી છે.
આખા રાજયમાં હજી ગ્રાન્ટ અપાઇ નથી
વર્ષ 2020-21,22માં 15માં નાણાપંચનો પ્રથમ હપ્તો પંચાયતોને ચુકવાયો છે. જો કે સમગ્ર રાજયમાં હજુ સુધી એક પણ પંચાયતને બીજા હપ્તો અપાયો નથી. પ્રથમ હપ્તાના 50 ટકાના વધુ કામો થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા બીજો હપ્તો રિલિઝ કરાતો હોય છે. જેને લઇ વલસાડ જિલ્લાની પંચાયતોમાં હજુ બીજો હપ્તો બાકી છે. થોડા દિવસોમાં પ્રશ્ન હલ થશે.- મનિષ ગુરવ, ડીડીઓ,વલસાડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.