વાપી નોટિફાઇડ દ્વારા જીઆઇડીસીમાંથી પસાર થતી બિલખાડી પર બ્રિજની કામગીરી પૂર્ણ ન થતાં રોજના 10 હજારથી વધુ કામદારોને 2 થી 3 કિ.મી. સુધી લાંબો ચકરાવો મારવાની ફરજ પડી રહી છે. કવોટીઓ સંચાલકોની હડતાળના કારણે મટીરીયર્લ્સ ન મળતાં કામગીરી અટકી રહી છે. જોકે તંત્રએ આગામી 20 દિવસમાં બ્રિજને ખુલ્લો મુકવાનો પણ દાવો કર્યો છે.
વાપી નોટિફાઇડ દ્વારા બીલખાડી પર જર્જરિત સિંગલ લેન બ્રિજને તોડી તેના સ્થાને નવો ફોરલેન બ્રિજની કામગીરી થર્ડફેઇઝમાં 18 ફેબ્રઆરી 2021માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી 100 ટકા કામગીરી પૂર્ણ થઇ ચુકી હતી. રૂ.3.42 કરોડના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલતાં 10 હજારથી વધુ કામદારોએ થર્ડ વિસ્તારમાં 2થી 3 કિ.મી. સુધી આવવા-જવા માટે વધુ ચકરાવો મારવાની ફરજ પડી રહી છે.
કામદારોમાં બ્રિજ કાર્યરત ન થતાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હજારો વાહન ચાલકોએ આ કામગીરીના કારણે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. બીજી તરફ નોટિફાઇડ તંત્રએ 20 દિવસમાં બ્રિજની કામગીરી પૂર્ણ કરવાનો દાવો કર્યો છે. હવે આગામી 20 દિવસમાં આ પ્રોજેકટ પૂર્ણ થશે કે નહિ તેના પર સૌની મીટ મંડાયેલી છે.
મોટી કંપનીઓ હોવા છતાં કામ ધીમુ
થર્ડ ફેઇઝ વિસ્તારમાં હુબર, આરતી ,સરના, એકરાપેક, સંધ્યા સહિત અનેક નાની-મોટી કંપનીઓ આવેલી છે. કામદારો રોજની અવર-જવર માટે આ માર્ગનો ઉપયોગ કરે છે, પરંતુ બ્રિજ બનવાના કારણે આ માર્ગ બંધ રહેવાથી 2થી 3 કિ.મી. ફરીને અવર-જવર કરવાની ફરજ પડી રહી છે. કંપનીના ડિરેકટરો, માલિકો અને કામદારો પણ ત્રસ્ત બની રહ્યાં છે.
વીઆઇએની બેઠકમાં આ મુદો ગાજયો
વાપી જીઆઇડીસીના થર્ડફેઇઝમાં બ્રિજની કામગીરી મંથરગતિએ ચાલતાં કંપનીના કામદારો અને કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં વીઆઇએની બેઠકમાં પણ બિલખાડીના બ્રિજની કામગીરીનો મુદો ઉઠયો હતો. જેથી વીઆઇએના હોદેદારો પણ અંગત રસ લઇને આ પ્રોજેકટ પૂર્ણ કરાવે તેવી માગ કામદારોમાં ઉઠી રહી છે.
થોડા જ દિવસોમાં કામ પૂર્ણ થશે
90થી 95 ટકા બ્રિજની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. હવે 15થી 20 દિવસનું કામ બાકી છે. કવોરીઓની હડતાળના કારણે અમુક મટીરીલ્યર્સ મળતું નથી, જેના કારણે કામમાં વિલંબ થઈ રહ્યો છે. આમ છતાં હવે ગણતરીના દિવસોમાં આ પ્રોજેકટ પૂર્ણ કરવાનો અમારો લક્ષ્યાંક છે. - દેવેન્દ્ર સગર,ચીફ ઓફિસર,વાપી નોટિફાઇડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.