ખેડૂતોમાં ચિંતા:માવઠાથી ઉમરગામ તાલુકાના ખેતરોમાં પાણી

વાપી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અઢી હજાર એકર જગ્યામાં શાકભાજી ઉગાડાય છે
  • શાકભાજી પાછળ કરેલો ખર્ચે ખેડૂતોને માથે પડવાનો વારો

વલસાડ જિલ્લામાં બે દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે તાઉતે વાવાઝોડા બાદ ફરીવાર ભારે પવન સાથે વરસાદથી કમોસમી માવઠાને કારણે શાકભાજીના પાકમાં પાણી ભરાઇ જતાં ફૂગ અને જીવાતમાં વધારો થયો છે .આવતા ત્રણ દિવસમાં હજુ ભારે વરસાદ પડે તો ખેડૂતોને તમામ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે અને જો મેઘો વિરામ લે તો પણ દવા અને રાસાયણિકના ખર્ચા તો ખેડૂતોને જરૂર ભોગવવાનો વારો આવશે.

આ વખતે ચોમાસું થોડું મોડું બેઠું હતું તેના કારણે વલસાડ જિલ્લામાં દિવાળી બાદ ડાંગરની કાપણી કરાઈ હતી. હવે જ્યારે ડાંગરનો પાક લેવાના સમયે જ ફરી એકવાર માવઠાએ ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવી લીધો છે . ત્યારે વલસાડ જિલ્લાના ખેડૂતો સરકાર તરફ મીટ માંડીને બેઠા છે અને સરકાર કોઈ રાહત પેકેજ જાહેર કરે તેવી આશા ખેડૂતો કરી રહ્યાં છે. દર વર્ષે ગ્લોબલ વોર્મિંગના કારણે કમોસમી વરસાદ ખેતીને પારાવાર નુકસાન કરી રહ્યું છે. ત્યારે ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે ફરી વાતાવરણ સામાન્ય બને અને સરકાર કોઇ રાહત પેકેજ જાહેર કરે.

ખેતરમાં પાણી ભરાતા મરચાને નુકસાન
કમોસમી વરસાદથી પાણી ખેતરમાં ભરાઇ જવાના કારણે ફંગસ આવે, ઇયળ પડે અને મચ્છર આવે છે. જેથી મરચાના પાતરા પણ કરમાઇને બગડે છે. અત્યાર સુધીમાં છોડ સારા નીકળ્યા હતા. પણ માવઠાના કારણે થોડા નબળા પડતા અમારે દવાનો ખર્ચો વધી ગયો છે.> ધર્મેશસિંહ ચૌહાણ, ખેડૂત, વલવાડા

હાલ વરસાદ ઉપર જ સૌની નજર છે
બે દિવસ પડેલા વરસાદમાં ફ્લાવરીંગ ડ્રોપિંગ હોય તેમાં થોડી ઘણી નુકસાની થઇ છે. હજુ વરસાદ કેટલા પ્રમાણમાં પડે છે તેના પર ખેડૂતોની નજર છે. જિલ્લાની વાત કરીએ તો આશરે અઢી હજાર એકરમાં ખેડૂતો શાકભાજીની ખેતી કરે છે.>કેતન નંદવાણા, ખેડૂત, બોરીગામ

અન્ય સમાચારો પણ છે...