દાનહના નરોલી ગામે કેટલાક ખેતરોમાં માર્બલ કંપનીઓ દ્વારા છોડાતા વેસ્ટનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ઉપજાઉ જમીનમાં વેસ્ટ નાંખી દેવાતા તેની આજુબાજુમાં આવેલ ખેતરોને પણ નુકસાનની ભીંતિ સાથે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ જમીન માલિક માફિયાઓ સાથે મળેલો હોય લોકો અવાજ ઉઠાવતા ઘભરાઇ રહ્યા છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ચારરસ્તાથી વલવાડા તરફ જતા માર્ગ ઉપર દાભોસા બોર્ડર પહેલા એક ખેતરમાં મોટી સંખ્યામાં માર્બલ વેસ્ટ જોવા મળી રહ્યો છે. આશરે 10 હજાર સ્ક્વેર ફૂટમાં આવેલ આ ખેતરમાં માત્ર સફેદ કલરનો વેસ્ટ દેખાઇ રહ્યો છે. એક સ્થાનિકના જણાવ્યા મુજબ નરોલી સ્થિત કેટલીક માર્બલની કંપનીઓ માંથી વેસ્ટ લાવી આ સ્થળે નિકાલ કરવામાં આવે છે.
જોકે જે ખેતીની જગ્યા છે તેનો માલિક પણ આ કૌભાંડમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. રૂપિયાની લાલચે પોતાના જ ખેતરમાં વેસ્ટનો નિકાલ કરવાથી આજુબાજુના ખેતરોમાં પણ નુકસાનની ભીંતિ હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ જ પોલ્યુશન કમિટી દ્વારા સેલવાસ વિસ્તારમાં આ જ પ્રકારે માર્બલ વેસ્ટ ખેતરમાં ખાલી કરાતા કેટલાક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ હતી. જ્યારે ખુલ્લેઆમ આ પ્રકારથી ખેતરોમાં વેસ્ટ ઠાલવનારા કંપનીના સંચાલકો તેમજ વચેટિયાઓ સામે કડક પગલા ભરવામાં આવે તેવી લોક માગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.