તપાસ:ખોટુ બિલ બનાવી વાપીની વાયટલ કંપનીએ 15 હજાર કિલો વેસ્ટનો બારોબાર નિકાલ કર્યો, 3ની ધરપકડ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ, ડિરેક્ટર સહિત 4 આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે તપાસ હાથ ધરી

વાપી જીઆઇડીસીની વાયટલ કંપની દ્વારા ખોટુ ઇન્વોઇસ અને ઇ-બીલ બનાવી ગેરકાયદે રીતે હેઝાર્ડ વેસ્ટનો બારોબાર નિકાલ કરવા જતા એલસીબીએ ટેન્કર અને ટેમ્પોમાંથી 15 હજારથી કિલો હેઝાર્ડ વેસ્ટ કબજે લઇ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ કેસમાં વાયટલ કંપનીનો ડાયરેક્ટર, વાઇસ પ્રેસિડેન્ટ સહિત ચાર આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા એસપી ડો.રાજદીપસિંહ ઝાલાની સુચના અને એલસીબી પીઆઇ જે.એન.ગોસ્વામીના માર્ગદર્શન મુજબ એલસીબીની ટીમ મંગળવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન મળેલી માહિતીના આધારે વાપી જીઆઇડીસીથી ટાટા કંપનીના ટેન્કર નં. જીજે-15-યુયુ-9288 માં ભરેલ કેમિકલ હેઝાર્ડ વેસ્ટ 11,160 કિ.ગ્રા. તથા આઇસર ટેમ્પો નં. જીજે-21-ડબ્લ્યુ-6860માંથી 25 ડ્રમોમાં ભરેલ 4,086 કિગ્રા હેઝાર્ડ્સ વેસ્ટ મળી કુલ રૂ.13,32,569નો મુદ્દામાલ શંકાસ્પદ હાલતમાં મળી આવતા વધુ તપાસ હાથ ધરાઇ હતી.

તપાસમાં ખુલ્યુ હતું કે, આ હેઝાર્ડ વેસ્ટ વાપી જીઆઇડીસી ખાતે આવેલ વાઇટલ લેબોરેટરી પ્રા.લી.કંપનીમાંથી વગર પાસ પરમિટે ગેરકાયદે રીતે બારોબાર નિકાલ કરવાના ઇરાદે કેમિકલ ટ્રેડીંગ કરતા વેપારીઓને ખોટુ ઇન્વોઇસ તથા ખોટુ ઇ-વે બિલ જનરેટ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકાર સાથે છેતરપિંડી કરી જ્વલનશીલ પદાર્થ હોવાનું જાણવા છતાં તેના પ્રત્યે બેદરકારી ભર્યું આચરણ કરતા ટેન્કર અને ટેમ્પોચાલક સહિત ત્રણની ધરપકડ કરી 4 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા હતા. હાલ પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે એક દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે.

આરોપીઓ સામે આ કલમ હેઠળ ગુનો નોંધાયો
આવા કેસોમાં આરોપીઓ ગેરકાયદે રીતે હેઝાર્ડ વેસ્ટ કેમિકલને નદી અથવા જમીન ઉપર ખાલી કરીને ફરાર થઇ જતા હોય છે. પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ તમામ આરોપીઓ સામે આઇપીસી કલમ 285,420,465,468,471,114 અને 34 મુજબ ગુનો દાખલ કરાયો છે.

નવસારીના બે સહિત ચાર વોન્ટેડ
હેઝાર્ડ વેસ્ટ કેમિકલ કેસમાં ખોડીયાર કેમિકલ્સનો માલિક યોગેન્દ્ર ઉર્ફે યોગેશ કાનજી આહીર રહે.તીઘરા ગામ નવસારી તથા તેનો માણસ વિકીકુમાર રામઇકવાલ આચાર્ય રહે.નવસારી જીઆઇડીસી કબીલપોર જલધારા સોસાયટી રૂમ નં.35 મુળ બિહાર સહિત વાઇટલ લેબોરેટરી પ્રા.લી. પ્લાન્ટ નં.1ના કોમર્શિયલ ડિપાર્ટમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ શંકરલાલ જગદિશ બજાજ રહે.રાજહંસ કોમ્પ્લેક્ષ છરવાડા રોડ, વાપી તથા વાઇટલ લેબોરેટરી પ્રા.લી.કંપનીના ડાયરેક્ટર રાજીવ બજાજ રહે.મુંબઇ વોન્ટેડ જાહેર કરાયા છે. જેઓને પકડવા તજવીજ હાથ ધરાઇ છે.

આ આરોપીઓની ધરપકડ કરાઇ
પોલીસે આરોપી ટેન્કર ચાલક પ્રભાતકુમાર સંતકુમાર સિંગ તથા આઇસર ટેમ્પોનો ચાલક અઝીમ કલીમ ખાન તથા શ્રી ગણેશ કેમિકલ ટ્રેડીંગ વાપીનો માલિક રાજેન્દ્ર ઉર્ફે રાજુ રામા રાવ રહે.વાપી જીઆઇડીસી ચણોદ કોલોની હર્ષ કો.ઓ.હા.સોસાયટી રૂમ નં.બી-206 વાપી મુળ જામનગર ને પકડી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...