છેતરપિંડી:ઓનલાઇન ટીવી અને એસી ખરીદવા જતાં વાપીના યુવકે 1.81 લાખ ગુમાવ્યા, રૂપિયા ટ્રાન્સફર કરવા છતાં પાર્સલ ન મળ્યું

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આર્મીમેન હોવાનું કહી ગુગલ પે થી રૂપિયા ખંખેરી લીધા

ફેસબુક ઉપર ટીવી-એસીની જાહેરાત જોયા બાદ વાપીના યુવકે સામાવાળાથી સંપર્ક કરી ટુકડે ટુકડે ગુગલ પેથી રૂ.1.81 લાખ ભરી દેવા છતાં પાર્સલ ન મળતા આ અંગે વાપી ટાઉન પોલીસમાં બે આરોપી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઇ હતી. મુળ અમદાવાદના અને વાપી બલીઠા ખાતે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી હોસ્પિટલમાં ઇન્ટર્ન સર્વિસ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા વિજય અશ્વિન ચૌહાણએ રવિવારે ફેસબુક એપ ઉપર ટીવી અને એસીની જાહેરાત જોતા એડ આપનાર સાથે સંપર્ક કર્યો હતો. સામાવાળા આરોપી બીજનકુમાર એ જણાવેલ કે, તે આર્મીમેન છે અને તેનો ટ્રાન્સફર જમ્મુ આર્મી કેન્ટીનમાં થતા ટીવી-એસી રૂ.17,000માં વેચવાનું છે.

જેથી ટોકન પેટે રૂ.2020 ગુગલ પેથી મંગાવી બાકીનું પેમેન્ટ ડિલીવરીબોય અમિતકુમારને કરવા જણાવ્યું હતું. અમિત સાથે વાત કર્યા બાદ તેને રૂ.6400 ગુગલ પે કરતા રૂ.6000 અલગથી અને રૂ.400 અલગથી ભરવા તેણે જણાવ્યું હતું.

આ જ રીતે થોડા થોડા કરીને રૂ.8580, રૂ.9999, રૂ.11000, રૂ.15700, રૂ.11000, રૂ.12000, રૂ.17700 અને રૂ.19,999 લેટ ફી ઓર્ડર ચાર્જના નામે આરોપીઓએ ટુકડે ટુકડે ફરિયાદી પાસેથી કુલ રૂ.1,81,699 ભરાવી લીધા બાદ ઓર્ડર રિપ્લેસ માટે ફોન ન ઉપાડતા યુવકને પોતે ઠગાઇ ગયા હોવાનું જણાઇ આવતા બંને સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.ઓનલાઇન છેતરપિંડી મુદ્દે સરકાર દ્વારા વખતો વખત ગ્રાહકો સચેત કરવામાં આવતા હોવા છતાં લોભામણી જાહેરાતમાં ગ્રાહકો ફસાઇ જઇ રૂપિયા ગુમાવી દેતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...