સટ્ટો રમતા યુવકો માટે રેડ સિગ્નલ:IPLના સટ્ટામાં હારેલા 2 લાખની વસૂલી માટે વાપીનાં યુવકનું અપહરણ, નગ્ન કરી મારમારી વીડિયો ઉતાર્યો

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાપી મચ્છી માર્કેટના સ્ટોડિયા મનોજ ઉર્ફે પપ્પુ કાળીયા સહિત 3 સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક અટકાયત કરી

વાપી વિસ્તારમાં રહેતો યુવક ઓનલાઇન આઇપીએલમાં જુગારમાં આશરે 2 લાખથી વ ધુ રકમ હારી જતા રૂપિયા વસૂલવા સટોડીયા સહિત ત્રણ ઇસમોએ યુવકનું અપહરણ કરી ઘરે લઇ જઇ કપડા ઉતરાવી માર માર્યો હતો. યુવકનો નગ્ન હાલતમાં વીડિયો ઉતારી રૂપિયા ન ચૂકવે તો વાયરલ કરવાની ધમકી આપી છોડી દેતા યુવકે આ અંગે ટાઉન પોલીસ મથકમાં સટોડીયા સહિત ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે.

વાપી ટાંકીફળિયા વિસ્તારમાં રહેતા લકી (નામ બદલ્યું છે) ની ઓળખાણ વર્ષ 2019માં મચ્છીમાર્કેટ ખાતે જલારામ સોસાયટીના અમીન મેન્સનમાં રહેતા મનોજ ઉર્ફે પપ્પુ કાળીયા સાથે થઇ હતી. ત્યારે પપ્પુએ તેને જણાવેલુ કે, આઇપીએલમાં સટ્ટો રમવાથી રૂ.2000 થી રૂ.1 લાખ સુધીની કમાણી કરી શકાય છે. લાલચ આપી તેના માણસ થકી પપ્પુએ લકીને ઓનલાઇન રૂ.1 લાખની આઇડી અપાવી હતી. હાલમાં દુબઇમાં ચાલતી આઇપીએલ ક્રિકેટ પર સટ્ટો રમતા ત્રણ દિવસમાં એક લાખ રૂપિયા લકી હારી ગયો હતો. ત્યારબાદ ફરી રૂ.80,000ની આઇડી લેતા એક જ દિવસમાં તે પણ હારી ગયો હતો. આમ ધીમે ધીમે લકી જુગારમાં હારતા પપ્પુ કાળીયાને કુલ રૂ.1.90 લાખ આપવાના થયા હતા. જેથી ફરિયાદી થોડાક થોડાક રૂપિયા તેને ચૂકવતો હતો. એક સાથે પુરા રૂપિયા ન આપતા પપ્પુ તેને અવારનવાર મારવાની ધમકી પણ આપતો હતો.

ગુરૂવારે બપોરે લકી તેના મિત્ર સાથે કચીગામ જઇ રહ્યો હતો. ત્યારે આરોપી પપ્પુ તેની બાઇક પર બળજબરીથી લકીને બેસાડી તેના પોતાના ઘરે લઇ ગયો હતો. જ્યાં પાછળથી યશ અને પીયુશ નામના બે ઇસમ આવ્યા હતા. રૂપિયા માટે લકીને બિભત્સ ગાળો આપી લાકડાથી માર મારી કપડા ઉતરાવી નગ્ન હાલતમાં તેના વીડિયો પણ ઉતાર્યો હતો અને પૈસા નહી આપે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી એક લકીએ પોતાના એક મિત્રને ફોન કરી 5000 એક વ્યક્તિને અપાવ્યા હતા. 5000માં કંઇ નહી થાય કહી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીની બાઇક અન્ય ઇસમથી મંગાવી 5 ચેક અને ગાડીની એનઓસી લઇ આવવાની શરતે છોડી દેતા આ અંગે તેણે ટાઉન પોલીસ મથકમાં ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેય સામે આઇપીસી કલમ 323, 365, 384, 385, 504, 506(2), 144 અને આઇટી એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઓન લાઇન સટ્ટામાં અનેક યુવાધન રવાડે ચઢી બરબાદ થઇ રહ્યું છે
હાલમાં ઇન્ટરનેટ અને મોબાઇલનો ઉપયોગ કેટલાક ક્રિકેટ શોખીન યુવાનો આઇપીએલની હાલમાં દુબાઇમાં રમાતી મેચમાં ઓનલાઇન સટ્ટો રમવામાં ઉપયોગ કરી રહ્યું છે .દેશભરની સાથે વાપી-વલસાડ જેવા નાના શહેરોમાં પણ આ દૂષણ માં અનેક યુવાનો રૂપિયા કમાવાની લાલચે બરબાદ થઇ રહ્યા છે ત્યારે ઓનલાઇન સ્થાનિક કયા કયા સટોડીયા રમાડી રહ્યા છે તે શોધવું પોલીસ માટે સહેલું છે. આવા લોકોને જેર કરી આ બદી માંથી યુવાઓને ઉગારવામાં આવે તે જરૂરી છે.

સ્યુસાઇડ કરવા જઇ રહ્યો હતો
ઘરમાં ગોંધી રાખી બળજબરીથી કપડા કઢાવીને પપ્પુ અને તેના બે સાગરીતોએ વીડિયો ઉતારી લાકડાથી માર માર્યા બાદ ધમકી આપી છોડી દેતા હું સ્યુસાઇડ કરવા જઇ રહ્યો હતો. પરિજનોએ સમજાવતા પોલીસની મદદ લીધી હતી. પોલીસે તાત્કાલિક એક્શન લેતા ખૂબ જ સંતુષ્ટ છું.> લકી

કડક પગલા ભરવામાં આવશે
ઉરોક્ત કેસમાં ત્રણેય આરોપીઓની અટકાયત કરાઇ છે. કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરી આગળની કાર્યવાહી કરાશે.આપીઇપીએલમાં સટ્ટા કે જુગાર રમાડતા લોકો યુવાધનને બર્બાદ કરી રહ્યા છે. એસપીની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ આવા અસામાજીક તત્વો સામે કડક પગલા લઇ રહી છે. જો કોઇને આવી પ્રવૃત્તિ અંગે જાણ થાય તો તાત્કાલિક અમને સંપર્ક કરી શકે છે. > આર.ડી.મકવાણા, પીઆઇ, વાપી ટાઉન પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...