છેતરપિંડી કેસ:દાનહ નેશનલ હેલ્થ મિશન કર્મીના પગારના 42 લાખ રૂપિયા ચાઉં કરનાર વાપીથી ઝડપાયો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીએ છેતરપિંડી પોલીસ ફરિયાદ નોંધાવતા દબોચ્યો
  • વિદેશ ભાગી​​​​​​​ જાય તે પૂર્વે જ ડુંગરાથી પોલીસે ઉચકી લઈ કોર્ટમાં રજૂ કરતા 3ના રિમાન્ડ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના રાષ્ટ્રીય સ્વાસ્થય મિશનના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા અંદાજે 400 કર્મચારીના પગારને પોતાના એકાઉન્ટમાં જમા કરાવી દેવાનું કૌંભાડ તપાસમાં બહાર આવ્યું હતું. આ અંગે સંઘપ્રદેશ હેલ્થ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરીએ સેલવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને 3 દિવસના રિમાન્ડ લઇ તપાસ હાથ ધરી છે. છેલ્લા 6 માસથી ચાલતા આ કૌંભાડમાં આરોપીએ 42 લાખથી વધુની રકમ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સર્ફર કરી દીધી હતી.

નેશનલ હેલથ મિશન (એનએચએમ) અતર્ગત સંઘપ્રદેશ દાનહમાં કોરોના કાળમાં કેટલાક કર્મચારીની કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરવામાં આવી હતી. દાનહ રાષ્ટ્રીય સ્વાસ્થ મિશન વિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો સોહેલ ઉદયભાઇ પરમાર રહે. હરિયા પાર્ક, ડુંગરા - વાપીને કર્મચારીને પગાર ચુકવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ્યારે વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી તો અંદાજે 400 જેટલા કર્મચારીનો પગાર કે જેઓ છોડીને જતા રહ્યા હતા એના નામે પણ ટ્રાન્સર્ફર થયા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે એનએચએમના મિશન ડિરેકટર એસ. ક્રિષ્ના ચૈતન્યએ સેલવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શોહેલ પરમારની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીએ પોતાની સેલેરી એકાઉન્ટ એચડીએફસી બેંકમાં હોવા છતાં અન્ય બે બેંકમાં પણ એકાઉન્ટ ખોલાવી રાખ્યા હતા. આ બંને એકાઉન્ટમાં નોકરી છોડીને ગયેલા કર્મચારીનો અંદાજે 42 લાખ 50 હજાર રૂપિયા ટ્રાન્સર્ફર કરી લીધા હતા. લાખો રૂપિયાનું કૌંભાડ કર્યા બાદ આરોપીએ નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. સેલવાસ પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી કેનેડા ભાગવાના ફિરાકમાં હતો
આરોપી સોહેલ પરમારે ખૂબ જ ચતુરાઇથી અન્ય બે બેંકમાં એકાઉન્ટ બનાવ્યા હતા જેમાં કર્મચારીના નામો હતા પણ ઓપરેટ પોતે કરતો હતો. 42 લાખથી વધુની રકમ તેમના એકાઉન્ટમાં ટ્રાન્સર્ફર થયા બાદ આરોપીએ નોકરી છોડી દઇને કેનેડા ભાગી જવાની તૈયારી કરતો હતો. જોકે, એ પૂર્વે જ પોલીસે ડુંગરા હરિયા પાર્ક સ્થિત ફલેટ ઉપરથી આરોપીને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...