કોર્ટનો આદેશ:લાંચ કેસમાં ઝડપાયેલા વાપી ટાઉન PSIને 3 દિ’ના રિમાન્ડ

વાપી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એફઆઇઆર નોંધવા પાંચ લાખ માગ્યા હતા

વાપીના મેડિકલ એજન્સીના સંચાલક પાસે એફઆઇઆર નોંધવા માટે પાંચ લાખ રૂપિયાની લાંચ પૈકી 1 લાખ રૂપિયા લેવા જતા ટાઉનનો પીએસઆઇ એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો હતો. એસીબીએ ગુનો નોંધી આરોપી પીએસઆઇને મંગળવારે કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રીમાન્ડ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

વાપી ટાઉનના પીએસઆઇ પી.એલ. દાફડાએ અરજી ઉપરથી એફઆઇઆર નોંધવા માટે પાંચ લાખ રૂપિયાની લાંચ મેડિકલ એજન્સીના સંચાલક પાસેથી માગી હતી. અગાઉ ચાર લાખ રોકડા અને ફ્રીજ, એસી તથા અન્ય ફર્નિચર મળીને કુલ 86 હજારનો સામાન પણ લીધો હતો. જોકે, રવિવારે લાંચની રકમના વધુ એક લાખ રૂપિયા લેવા જતા એસીબી પીઆઇ કે.આર. સકસેના અને તેમની ટીમે પીએસઆઇ દાફડાને રંગેહાથ ઝડપી લીધો હતો.

એસીબીએ સોમવારે આ સંદર્ભે પીએસઆઇ દાફડા વિરૂધ્ધમાં ગુનો નોંધીને મંગળવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. એક લાખની લાંચ લેતા રંગે હાથ પકડાયેલાં પીએસઆઇ પી. એલ. દાફડાને વલસાડ એસીબી પોલીસે ધરપકડ કરી હતી. વાપીની સ્પેશ્યિલ કોર્ટનાં જજ કે. જે. મોદી સમક્ષ રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતા તે સંદર્ભે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પીએસઆઇ ડાફનાને 27મી મે સાંજે પાંચ વાગ્યા સુધી રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...