નિરીક્ષણ:રેલવે ઓવરબ્રિજ તોડવા પૂર્વે વાપી સ્ટેશને ટ્રાફિક નિરાકરણની મથામણ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SPએ પાલિકા અને R&Bની ટીમ સાથે સ્થળ નિરીક્ષણ કરીને સૂચના આપી

ફ્રેઇટ કોરીડોર લાઇન માટે લાંબા સમયથી વાપી રેલવે ઓવરબ્રિજને તોડવા માટે આયોજન થઇ રહ્યું છે. જોકે, ટ્રાફિક માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન થતા આરઓબીને તોડવામાં વિલંબ થઇ રહ્યો છે. મંગળવારે વલસાડ એસપીની સાથે પાલિકા અને આરએન્ડબીની ટીમે વાપી સ્ટેશનના પૂર્વ ભાગમાં રીક્ષા અને સિટી બસના પાર્કિગ સહિત ટ્રાફિકનું સુચારૂં નિયમન થાય એ માટે જરૂરી સૂચનો કર્યા હતા.

વાપી રેલવે ઓવરબ્રિજને તોડવા પૂર્વે વાપી ઇસ્ટ અને વેસ્ટનો ટ્રાફિકના નિયમનમાં કોઇ અડચણ ન થાય અને ટ્રાફિક સમસ્યાના નિરાકરણ અર્થે મંગળવારે વલસાડ જિલ્લા એસપી ડો. રાજદીપસિંહ ઝાલા, પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ઉપપ્રમુખ અભય નહાર અને આરએન્ડબીના ઇજનેર જતિન દેસાઇ સહિતની ટીમે વાપી સ્ટેશનના પૂર્વ ભાગમાં સ્થળ નિરીક્ષણ કરીને બ્રિજ તૂટ્યા બાદ વાહનોની અવરજવરમાં સરળતા રહે અને ટ્રાફિક સમસ્યા ન ઉદભવે એ માટે જરૂરી ચર્ચા કરી હતી. વાપી ટાઉન પીઆઇ બી.જે. સરવૈયા, અને એસઓજી પીઆઇ વી.બી. બારડ, જીઆઇડીસીના પીઆઇ વી.જી. ભરવાડ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સિટી બસ-રીક્ષા માટે અલગથી પાર્કિગ વ્યવસ્થા કરાશે
વાપી સિટી બસ સેવાની બસો માટે સ્ટેશનની બહાર અલગથી વ્યવસ્થા કરી આપવામાં આવશે જેથી કરીને પેસેન્જર બેસાડવા માટે માર્ગની સાઇડે પાર્ક ન થાય. આ ઉપરાંત દરેક રીક્ષા લાઇન બંધ ગરનાળા તરફના માર્ગ ઉપર ઊભી રખાશે. એક પછી એક રિક્ષા સ્ટેશનની બહાર આવશે અને પેસેન્જરને બેસાડીને રવાના થશે. આમ રીક્ષાના પેસેન્જરને ડ્રોપ અને પિકઅપ કરવા માટે ખાસ જગ્યા ફાળવી અપાશે જેથી કરીને ખોટી ટ્રાફિક સમસ્યા ન ઉદભવે.

અન્ય સમાચારો પણ છે...