તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડુપ્લીકેટ RC બુક કૌભાંડ:ખોટા રબર સ્ટેમ્પ બનાવનાર વાપીની પટેલ મોટર્સ ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલક પિતા-પુત્રની ધરપકડ

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીઓ અલી ઇસ્માઇલ અને પુત્ર આરિફ - Divya Bhaskar
આરોપીઓ અલી ઇસ્માઇલ અને પુત્ર આરિફ
  • જિલ્લા દરેક પોલીસ સ્ટેશન અને RTO અધિકારીના સ્ટેમ્પ બનાવી જાતે જ ડોક્યુમેન્ટ બનાવતા હતા
  • પોલીસે દસ્તાવેજો અને 16 બોગસ રબર સ્ટેમ્પ, 4 મોબાઇલ મળી કુલ 16 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના ખોટા રબર સ્ટેમ્પ બનાવીને આરટીઓ અને પોલીસ અધિકારીની ખોટી સહી કરીને આરટીઓ કચેરીમાંથી ડુપ્લીકેટ આરસી બુક બનાવવાનું કૌભાંડ એલસીબીએ ઝડપી પાડ્યું હતું.

વલસાડ એસપી ડો. રાજદીપસિંહ ઝાલાની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમી મળી હતી કે, વાપી જીઆઇડીસી ચાર રસ્તા સ્થિત પંચરત્ન બિલ્ડિંગમાં પટેલ મોટર્સ ડ્રાઇવિંગ સ્કૂલ ચલાવતા અને આરટીઓનું કામ કરતા અલીભાઇ પટેલ અને તેમનો પુત્ર આરિફ ગુમ ગયેલી અથવા ખોવાયેલી વાહનની આરસી બુક આરટીઓમાંથી ડુપ્લીકેટ કઢાવી આપવા માટે જેતે પોલીસ સ્ટેશનના બોગસ રબર સ્ટેમ્પનો ઉપયોગ કરીને તથા અધિકારીની ખોટી સહીઓ કરીને આરસી બુક મેળવી રહ્યો છે.

પોલીસે પંચરત્ન સ્થિત ઓફિસમાં રેઇડ કરીને આરટીઓ એજન્ટ અલી ઇસ્માઇલ પટેલ અને તેમનો પુત્ર આરિફ બંને રહે. મુસ્કાન રો હાઉસ, ન્યૂ રાંદેર રોડ - સુરતની ઘરપકડ કરી હતી. ઓફિસમાંથી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના રબર સ્ટેમ્પ તથા પોલીસના લખાણવાળા દાખલાના પ્રફોર્મા મળી આવ્યા હતા. પોલીસે દસ્તાવેજો અને 16 બોગસ રબર સ્ટેમ્પ, ચાર નંગ મોબાઇલ મળી કુલ 16 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.

છેલ્લા અઢી વર્ષથી ચલાવતા હતા RC બુક કૌંભાડ
સુરતમાં રહેતા આરોપી વાપીમાં ઓફિસ શરૂ કરીને છેલ્લા અઢી વર્ષની બોગસ દસ્તાવેજના આધારે આરસી બુક કાઢી આપવાનું કૌંભાડ ચલાવી રહ્યા હતા. ડુપ્લીકેટ આરસી બુક કાઢવાના આરોપી 5થી 10 હજાર રૂપિયા લેતા હતા. આરોપીઓ અન્યના નામે ખોલે તો આરટીઓના અનેક અધિકારીઓ ભેરવાય તેમ છે.

પોલીસ ફરિયાદ અને અભિપ્રાયનો દાખલો બનાવતા
વાહનની આરસી બુક ગુમ, ચોરી કે ખોવાય જાય તો જે તે પોલીસ સ્ટેશનમાં અરજી કે FIR કરવી પડે છે. જે બાદ પોલીસ તપાસ કરીને નવી ડુપ્લીકેટ આરસી બુક માટે અભિપ્રાય લખી આપતી હોય છે. આ એજન્ટે પાંચ હજારમાં જિલ્લાના પોલીસ સ્ટેશનનો સિક્કો બનાવી પોતે જ અભિપ્રાય લખીને સ્ટેમ્પ મારી દેતા હતા.

અન્ય સમાચારો પણ છે...