રાજકીય ગરમાટો વધ્યો:વાપી પાલિકાની ચૂંટણીની તારીખ ઓકટો. અંત સુધીમાં જાહેર થવાની સંભાવના વધી

વાપી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2016માં 28 ઓકટોમ્બરે જાહેરનામુ બહાર પડ્યું હતું

વાપી પાલિકાની આગામી ચૂંટણીને લઇ રાજકીય માહોલમાં ધીમે-ધીમે ગરમાટો આવી રહ્યો છે. ખાસ કરીને ચૂંટણીની તારીખ કયારે જાહેર થશે તેના અટકળો શરૂ થઇ છે. આગામી 15 ડિસેમ્બરે પાલિકાના વર્તમાન શાસકોની ટર્મ પૂર્ણ થઇ રહી છે.ગત ટર્મમાં એટલે કે 2016માં 28 ઓકટોમ્બરે ચૂંટણીપંચે ચૂંટણી માટેનું જાહેરનામુ બહાર પાડયુ હતું.

27 નવેમ્બરે ચૂંટણી અને 29 નવેમ્બરે મતગણતરીની પ્રક્રિયા થઇ હતી. જેથી આ વર્ષે પણ ઓકટોમ્બરના અંત સુધીમાં પાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી સંભાવના છે. હવે વર્તમાન શાસકોની સામાન્ય સભા મળે તેવી કોઇ સંભાવના દેખાતી નથી. પરંતુ ભાજપના સિનિયર નેતાઓમાં ટિકિટ કપાવાનો ડર સતાવી રહ્યો છે. કેટલાક નેતાઓ તો ટિકિટ મળશે એવો આત્મવિશ્વાસથી વાતો કરી રહ્યાં છે. આમ ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય માહોલમાં વધુ ગરમાટો આવશે એવું મનાઇ છે. ટિકીટ મેળવવા ભાજપના નેતાઓએ અત્યારથી લોબી શરૂ કરી દીધી હોવાની ચર્ચા છે.

કોંગ્રેસમાં કેટલાક ઉમેદવારો નકકી
વાપી પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોના નામ નક્કી થઇ ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેષ વશીને પુછતાં તેમણે જણાવ્યું હતું કે કેટલીક બેઠકો પર નક્કી છે, કેટલીક બેઠકો પર હજુ બાકી છે. પ્રક્રિયા હજુ ચાલી રહી છે. જયારે વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલને પુછતાં તેમણે જણાવ્યું હતું કે મોવડી મંડળની સૂચના મુજબ પ્રક્રિયા કરાશે. હજુ સુધી કોઇ પ્રક્રિયા શરૂ થઇ નથી. હાલ કોઇ ચર્ચા પણ નથી.

અન્ય સમાચારો પણ છે...