તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્તમાન શાસકોની અગ્નિપરીક્ષા:વાપી પાલિકાની ગત ટર્મમાં 6 પ્રોજેકટ પૂર્ણ થયા,વર્તમાન બોડીમાં એકપણ નહી

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 14 માસથી કોરોનાથી મંજુર પ્રોજેકટો ઘોંચમાં, હવે ટર્મ પૂરી થવાને 6 માસ બાકી હોય વર્તમાન શાસકોની અગ્નિપરીક્ષા

વાપી પાલિકાની ચાલુ વર્ષના અંતે (નવેમ્બર-ડિસેમ્બર)માં ચૂંટણી યોજાવાની છે.જેને લઇ હાલ પ્રજાજનોના મનમાં શાસકોએ કયા-કયા કામો કર્યા તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યાં છે. ગત ટર્મના પાંચ વર્ષમાં થયેલા કામો અને ચાલુ ટર્મમાં અત્યાર સુધીમાં થયેલા કામોની સમીક્ષા કરવામાં આવે તો ગત ટર્મમાં સૌથી વધુ પ્રોજેકટો પૂર્ણ થયા છે. નવા રેલવે અંડરબ્રિજ સહિત 6 પ્રોજેકટો પૂર્ણ થતાં લોકોને સુવિધા મળી રહી છે પરંતુ ચાલુ ટર્મમાં સ્થિતિ અલગ છે. સરકારમાંથી સિટી બસ ,પાણી યોજના સહિત અનેક પ્રોજેકટોને મંજુરી મેળવામાં સફળતા મળી છે પરંતુ તેની કામગીરી પૂર્ણ કરવામાં સફળતા મળી નથી. જે ઝડપથી કામો થવા જોઇએ તે થયા ન હતાં. આ સાથે છેલ્લા 14 માસથી કોરોનાના કારણે પ્રોજેકટો આગળ જ વધી શકયા નથી. અનેક નાના કામો વર્તમાન બોડીએ કર્યા છએ, પરંતુ લોકોને આંખે વળગીને આવે તેવા કામો પૂર્ણ થઇ શકયા નથી. આગામી છ માસ પછી પાલિકાની ચૂંટણી હોવાથી કામો પૂર્ણ ન થતાં શાસકોએ પ્રજાજનો વચ્ચે કામગીરીનો ચિતાર આપવો પડશે.

ગત ટર્મમાં​​​​​​​: શહેરને ઉપયોગી આ પ્રોજેકટો પૂર્ણ થયા
વર્ષ 2011થી 2016ના સમયગાળામાં શહેરના મહત્વના પ્રોજેકટો પૂર્ણ થયા છે. જેમાં હાર્દીક શાહના પ્રમુખપણા હેઠળ જે ટાઇપ પર પૂર્વથી પશ્રિમમાં જવા માટે વર્ષો જુનો નવા રેલવે અંડરબ્રિજ (રૂ.11 કરોડ)નો પ્રોજેકટ પૂર્ણ થયો હતો. આ સાથે ચલામાં સ્વિમિંગ પુલ (રૂ.3 કરોડ ) તથા જનસેવા હોસ્પિટલ નજીક સ્પોટર્સ કોમ્પલેક્ષ (રૂ.2 કરોડ ) લખમદેવ તળાવ (રૂ.8 કરોડ) અને ડુંગરા તળાવ (3.5 કરોડનો )નો સમાવેશ થાય છે. આ સાથે સૌ પ્રથમ વખત શહેરમાં વૃક્ષાનો સરવે થયો હતો. જેના આધારે દર વર્ષે વૃક્ષો રોપવામાં આવી રહ્યાં છે. આ કેટલાક નાના પ્રોજેકટો પણ પૂર્ણ કર્યા હતાં.

વર્તમાન ટર્મમાં: ​​​​​​કયા-કયા પ્રોજેકટો પૂર્ણ કરવાના પ્રયાસો
વર્ષ 2017થી અત્યાર સુધીમાં કોઇ મોટો પ્રોજેકટ પૂર્ણ થયા નથી. પરંતુ વર્તમાન બોડીએ વિકાસ નકશાને (ડીપી)ને મંજુરી મેળવી હતી. આ સાથે ચલા તળાવ (8 કરોડ) ,જુના અંડરબ્રિજ આગળ 2.50 કરોડના ખર્ચે ગરનાળાની કામગીરી પૂર્ણ કરી છે. હાલ સોલિડ વેસ્ટ સાઇટનો પ્રોજેકટ(5.50 કરોડ) ચાલી રહ્યો છે. ડમ્પિંગ સાઇટ ( 8.50 કરોડ)નો સમાવેશ થાય છે.જુના ફાટક પર સબ વે (8 કરોડ) ફિશ માર્કેટનું (1.25 કરોડ),સિટી બસ સેવા, 35 એમએલડી પાણી યોજના (55 કરોડ),ઓડિટોરિમ 8 કરોડ સહિતના પ્રોજેકટને મંજુરી મળી છે. પાલિકાને સૌ પ્રથમ વખત નેશનલ સ્કોચ એવોર્ડ મળ્યો છે.

પ્રોજેકટોની મોટી-મોટી જાહેરાતો થઇ પછી અમલવારીનું સુરસુરિયુ
વાપી પાલિકાના ગત ટર્મના અને ચાલુ ટર્મના હોદેદારોએ કેટલાક મોટા-મોટા પ્રોજેકટોની જાહેરાત કરી હતી, પરંતુ ત્યારબાદ કોઇ કામગીરી આગળ વધી શકી ન હતી. જેમાં વાપી શહેરને ફી વાઇફાઇન સિટી બનાવાની જાહેરાત, સૌથી મોટુ રેન બસેરા હાઇવે પર બનાવાની પણ જાહેરાત કરાઇ હતી. આ સાથે ઝુંપડીપટ્ટી હટાવીને મોટા હાઉસિંગ બિલ્ડીંગો તથા એસી શાકભાજી માર્કેટ બનાવાની પણ જાહેરાત થઇ હતી. આ તમામ પ્રોજેકટોમાં સ્થળ પર હાલ કશુ જ જોવા મળતુ નથી.

છેલ્લા બે ટર્મમાં શાસનમાં કોણ હતુ ?
છેલ્લા બે ટર્મના શાસનમાં કુલ ચાર પ્રમુખ બદલાયા છે. જેમાં વર્ષ 2011થી જુન 2014 સુધી પારૂલબેન દેસાઇ પ્રમુખપદે રહ્યા હતાં. જયારે જુન 2014થી ડિસેમ્બર 2016 સુધી હાર્દિક શાહે પ્રમુખપદનું સુકાન સંભાળ્યુ હતું. ડિસેમ્બર 2016થી જુન 2019 સુધી ટીનાબેન હળપતિ પ્રમુખ તરીકે રહ્યા હતાં. વર્ષ 2019થી અત્યાર સુધી પાલિકા પ્રમુખ તરીકે વિઠ્ઠલ પટેલ ફરજ બજાવી રહ્યાં છે. પરંતુ મહત્વની વાત એ છે કે શહેરના કેટલાક પ્રોજેકટો સાત-આઠ વર્ષથી અધૂરા છે.

અન્ય સમાચારો પણ છે...